નવી દિલ્હી. ભારતીય સેના (Indian Army)ની 39 મહિલા ઓફિસરોને મોટી જીત મળી છે. આ દરેકને હવે સ્થાયી કમિશન (39 Women Army Officers Get Permanent Commission) મળશે. આ વાતની જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે ભારતીય સેનાની 39 મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપશે. શુક્રવારે થયેલી સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર આ મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપવાનો આદેશ જારી કરે. આ સાથે સુપ્રીમ કોર્ટે 25 મહિલા ઓફિસર્સને સ્થાયી કમિશન ન આપવાના કારણો અંગે એક વિસ્તૃત ચાર્ટ આપવાનો નિર્દેશ પણ કર્યો છે.
સ્થાયી કમિશનનો મતલબ છે સેનામાં રિટાયર થવાની ઉંમર સુધી કામ કરશે જ્યારે શોર્ટ સર્વિસ કમિશન 10 વર્ષ સુધી છે. જેમાં 10 વર્ષના અંતે સ્થાયી કમિશન છોડવાનો અથવા પસંદ કરવાનો વિકલ્પ હોય છે. જો કોઈ અધિકારીને સ્થાયી કમિશન નથી મળતું, તો અધિકારી ચાર વર્ષનું વિસ્તરણ પસંદ કરી શકે છે.
કુલ 71 શોર્ટ સર્વિસ કમિશન મહિલા અધકારીઓને સ્થાયી કમિશન આપવામાં આવ્યું ન હતું જેના વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા હતા. કેન્દ્રએ અદાલતને જણાવ્યું કે 71 અધિકારીઓમાંથી 39ને સ્થાયી કમિશન માટે યોગ્ય ગણવામાં આવી. સાત ‘મેડિકલી અનફિટ’ હતા અને 25 અધિકારીઓ સાથે ‘શિસ્ત સંબંધિત સમસ્યાઓ’ હતી.
આ બે ન્યાયાધીશોની બેન્ચ કરી રહી છે સુનાવણી
કોર્ટે 1 ઓક્ટોબરના સરકારને કહ્યું હતું કે, તે કોઈ પણ અધિકારીને સેવામાંથી મુક્ત ન કરે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બે જજોની બેન્ચ આ કેસમાં સુનાવણી કરી રહી હતી. કેસમાં મહિલા અધિકારીઓનો પક્ષ રાખનારી સિનિયર એડવોકેટ વી મોહના, હુજેફા અહમદી અને મીનાક્ષી અરોરાએ અદાલતને જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓને અયોગ્ય ગણાવવી માર્ચમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિરુદ્ધ હતું.
આ પ્રક્રિયાને પૂરી કરવા માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. એ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા માટે સેનાના મૂલ્યાંકન માપદંડ ‘તેમના વિરુદ્ધ રીતસરનો ભેદભાવ છે.’