સાવરકુંડલામાં ચૈત્ર નવરાત્રીના પવિત્ર અવસરે ભારતીય સંસ્કૃતિની અનમોલ પરંપરા ‘જીવદયા એ જ પરમો ધર્મ’ ને સાકાર કરતા એક અનોખા સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ અને આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામ સુંદર દાસ બાપુના આશીર્વાદથી ‘૫૧૦૦ શ્રીફળ કીડીયારૂ અભિયાન’ ભક્તિમય વાતાવરણમાં યોજાયું હતું।

આ અભિયાન અંતર્ગત શુદ્ધ ગાયનું ઘી, ગોળ, સાકર, તલ, સિંગદાણા અને પાંચ પ્રકારના ધાન્યના લોટથી તૈયાર કરાયેલા શ્રીફળ ભાવિકોને વિનામૂલ્યે પ્રસાદ રૂપે આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને બાળકો આશ્રમ ખાતે ઉપસ્થિત રહી આ સેવાકીય પ્રસાદીનો લાભ લીધો હતો।
ભાવિકોએ આ શ્રીફળોને પોતાના ખેતર, સીમ અને નિર્જન વિસ્તારોમાં પધરાવીને લાખો કીડીઓ માટે આહાર પૂરું પાડ્યો હતો, જેને શાસ્ત્રોમાં અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્યદાયી માનવામાં આવે છે।
શાસ્ત્રોક્ત માન્યતાઓ અનુસાર, કીડીયારૂ પૂરવાથી રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહોની અશુભ દશાઓ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ જ્યાં જીવદયા થાય છે ત્યાં માતા લક્ષ્મીનો કાયમી વાસ રહે છે એવી શ્રદ્ધા સાથે સમગ્ર સાવરકુંડલા પંથકમાં આ અભિયાન ભવ્ય રીતે પૂર્ણ થયું હતું।
આશ્રમ તરફથી જાણ કરવામાં આવી છે કે જે ભાવિકો હજુ પણ આ પવિત્ર સેવા કાર્યમાં જોડાઈને શ્રીફળ રૂપે પ્રસાદીમેળવવા ઈચ્છે છે, તેઓ તાત્કાલિક હનુમાન આશ્રમ, ગાયત્રી મંદિર સામે, કે.કે. હાઈસ્કૂલ પાછળ, સાવરકુંડલા ખાતે સંપર્ક કરી શકે છે।
આ અભિયાન માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ જીવદયા, સંસ્કૃતિ અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતું પ્રેરણાદાયી કાર્ય બની રહ્યું છે।
રિપોર્ટ: સતીશ બી. પાંડે
બ્યુરો ચીફ: સતીશ બી. પાંડે
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

