સાવરકુંડલા | ગુજરાત પ્રવાસી ન્યૂઝ
સાવરકુંડલાની પવિત્ર ધરતી પર સ્થિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર (ચૈત્ર શુક્લ પૂર્ણિમા) ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં ભક્તિ, માનવ સેવા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે।
આ પાવન આયોજન પૂજ્ય શ્રી રામસુંદરદાસ બાપુના આશીર્વાદ અને મહંત શ્રી હનુમાનદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે।
માનવતાના હિતાર્થે Indian Red Cross Society ના સહયોગથી સાંજે ૫:૩૦ થી ૮:૦૦ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાશે।
આ કેમ્પમાં ડૉ. જે.બી. વડેરા (જનરલ સર્જન), ડૉ. અનિતાબેન ધાખડા (ચામડી નિષ્ણાત) અને ડૉ. અભિજીત જેબલિયા (ડેન્ટિસ્ટ) દ્વારા દર્દીઓની તપાસ અને જરૂરી સારવાર આપવામાં આવશે।
આ પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેમાં રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવશે। સાથે જ નેત્રદાન અને દેહદાન માટે સંકલ્પ પત્ર ભરવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે।
સાંજે ૭:૩૦ વાગ્યે ‘શ્રી કેસરીનંદન કલ્યાણ યજ્ઞ’ યોજાશે, જેમાં પ.પૂ. મહંત શ્રી મસાપીરબાપુ (નાના ઝીંઝુડા) ઉપસ્થિત રહેશે। પર્યાવરણ જાગૃતિ માટે આશ્રમ દ્વારા માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવશે।
યજ્ઞ બાદ તાત્કાલિક હનુમાનજી મહારાજની મહાઆરતી યોજાશે અને હજારો ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે।
રાત્રે ૯:૦૦ વાગ્યે ભવ્ય લોકડાયરો યોજાશે, જેમાં રણધીરભાઈ વિછીયા, ભગવાનભાઈ ચાવડા, દિપક બારોટ અને જાગૃત વરીયા જેવા કલાકારો ભક્તિ અને હાસ્યરસથી કાર્યક્રમને યાદગાર બનાવશે। ડાયરા પહેલા હનુમાન ચાલીસાનો સમૂહ પાઠ પણ કરવામાં આવશે।
શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે.કે. હાઈસ્કૂલ પાછળ, ગાયત્રી મંદિર સામે, સાવરકુંડલા ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાશે।
આ પાવન અવસરે આશ્રમના મહંતશ્રી દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે।
અહેવાલ: ગુજરાત પ્રવાસી ન્યૂઝ
બ્યુરો ચીફ: સતીશ બી. પાંડે

