અમદાવાદ/ગુજરાત
પશ્ચિમ બંગાળમાં જૂનિયર મહિલા ડોક્ટર રે૫-મર્ડર કેસને લઈ ડોક્ટરો સહિત લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. દેશભરના અનેક શહેરમાં જુનિયર ડોક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર સહિતની વિવિધ હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફક્ત ઈમરજન્સી વોર્ડ જ ચાલુ રાખવામાં આવશે. સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી અધ્યક્ષ વિનોદ પરમાર દ્વારા ડોક્ટર્સ એસોસિયેશને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમારે એસ વી હોસ્પિટલના ડોક્ટરો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં એક ડોક્ટર એક દીકરી સાથે જે બળાત્કાર અને હત્યાની ઘટના ઘટી છે તેનાથી આખો દેશ હચમચી ગયો છે. આ દીકરી ફક્ત પશ્ચિમ બંગાળની દીકરી નથી પરંતુ સમગ્ર દેશની દીકરી છે. અને ત્યારે ન્યાય અપાવવા માટે આજે જે તમામ ડોક્ટરો રસ્તા પર ઉતર્યા છે તે તમામને અમે સમર્થન આપીએ છીએ. આ દીકરીને ન્યાય મળવો જોઈએ પરંતુ અવારનવાર આવી અને ઘટનાઓ ઘટતી હોય છે તો મારું માનવું છે કે ભારતની કોઈપણ દીકરી સાથે આવી ઘટના થાય છે તો તેને પણ તાત્કાલિક ન્યાય મળવો જોઈએ.
આજે જ્યારે કોઈપણ માતા બહેન દીકરી રસ્તા પરથી પણ પસાર થતી હોય છે ત્યારે પણ તેમની સાથે આવી ઘટનાઓ ઘટતી હોય છે. કોલકાતામાં આ દીકરી સાથે જે ઘટના ઘટે તે ઘટના આપણી સામે આવી છે, પરંતુ ઘણી ઘટનાઓ ઘણીવાર આપણી સામે પણ નથી આવતી. માટે આજે અમારે સરકારનું આ દિશામાં ધ્યાન દોરવું છે અને અમારી માંગણી છે કે જેટલા પણ નરાધમોએ આ દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે, તે તમામને ફાંસીની સજા આપવામાં આવે. એક વ્યક્તિને એક મોહરા તરીકે પકડવામાં આવ્યો છે પરંતુ આ ઘટના પાછળ ઘણા રાજકીય પરિબળો કામ કરી રહ્યા છે એવું પણ લાગી રહ્યું છે.