04થી 11 જૂન 2025… ભાગ – 10
…………….. જયંતિભાઇ આહીર ….
ટાઈગર નેસ્ટ વિષે ઘણું બધુ સાંભળેલું પરંતુ આજે સાક્ષાત્કાર કરવાનો મોકો મળ્યો તેનો આનંદ હતો; જોકે ટાઈગર નેસ્ટ સુધી પહોંચાચે કે કેમ ? તે નક્કી ન હતું. ટાઈગર નેસ્ટના દક્ષિણી માર્ગ પર આગળ વધી રહ્યા હતા. ઊંચા ઊંચા ઘટાટોપ વૃક્ષોની છાયામાં સૂર્ય કિરણો અદ્રશ્ય હોય અહી ધૂપછાંવના દર્શન શક્ય ન હતા. ગીચ વનરાજી વચ્ચેથી આકરા ચઢાણ સાથે સાગ, દેવદાર, પાઇન, ઓક, મેપલ, ભોજપત્ર વગેરે ઊંચા વૃક્ષો વચ્ચેથી પસાર થતો કેડો આઠ-દસ મીટરથી આગળ દેખાતો ન હતો. આપણે ત્યાં પાવાગઢ, ગીરનાર, ચોટીલા વગેરે પર્વતો પર જોવા મળતી સીડીઓની આજુબાજુ જોવા મળતી નાની હાટડીઓનું અહીં નામોનિશાન ન હોય ધૂળ-માટીના માર્ગ પર ક્યાંય ચા-પાણી કે નાસ્તો કરશું તેવી કોઈ શક્યતા ન હતી.
આકરા ચઢાણ સાથે પરસેવો વળતા સ્વેટર-ટોપી ઉતારી થેલીમાં નાંખ્યા અને એકાદ ઘૂંટડો પાણી પીય ચીક્કીનો નાનો એવો ટુકડો મોઢામાં મૂકી ઝરણાંના ખળખળ વહેતા સુમધુર નૈસર્ગિક સંગીતની મજા માણતા અમો નોન સ્ટોપ આગળ વધી રહ્યાં હતા. પર્વતારોહણનો એક વણલીખીત નિયમ છે કે ચઢાણ ચડતી વખતે વચ્ચે ક્યાંય બેસીને નહીં, પણ લાકડીના ટેકે કે અન્ય આધાર સાથે ઊભા રહી ઊંડા શ્વાસ લઈ આરામ કરી લેવો અને બને ત્યાં સુધી ઓછા ખોરાક-પાણીનો ઉપયોગ કરવો.
મને સન 2007માં ઢીંચણમાં તકલીફ થતા તે વખતે ઓર્થોપેડિક સર્જને ‘ની રીપ્લેસમેન્ટ’ની સલાહ આપેલી; જોકે મારા વડીલ મિત્ર અને ગુજરાતનાં પ્રસિદ્ધ વૈદ્ય સ્વ. શ્રી શાંતિભાઈ અગ્રવાતે ‘સાંધા એટલા વાંધા’ એવું કહી વધુ પડતું ચાલવું, સીડીઓ કે ચઢાણ ચડવાનું ઓછું કરવા સાથે પુનર્વાગુગળ અને મેથી ચૂર્ણ સવાર-સાંજ લેવાની સલાહ આપતા એ મુજબ આયુર્વેદ ઉપચાર શરૂ કરેલો અને ઘૂંટણની પીડા ઘીરેધીરે ઓછી થતા ઓપરેશન ટાળી શકાયું. વર્ષ 202૩માં મારા મિત્રશ્રી વિક્રમભાઈ સુવા ઉપલેટા સાથે મહાકાળી માતાજી, પાવાગઢ દર્શન કરવા જવાનું થયું રોપવેમાં ઉપર સુધી ગયા; વિક્રમભાઈ સુવા કાર્ડિયાક પેશન્ટ જેણે ઓપન હાર્ટ સર્જરી કરાવતા સીડીઓ ચડવા કે વધુ પડતો પરિશ્રમ કરવાથી દૂર રહેવા ડૉકટરે સલાહ આપેલી, પરંતુ વિક્રમભાઈને સીડીના બે-ત્રણ પગથીયા ચડી આરામ કરી આગળ વધતાં જોઈ તેમની સાથે મહાકાળી માતાજીના દર્શન કરી રોપવે પાછા ફર્યા. વિક્રમભાઈની રીત અજમાવતા તેમની સાથે વર્ષ ૨૦૨૩માં મહાકાળી ટૂંક, ગિરના૨ દર્શનનો લાભ લીધો તો માર્ચ -૨૦૨૪માં ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કર્યા. જોકે જુલાઇ ૨૦૨૫ની વિક્રમભાઈ સુવા સાથે પાવાગઢની મુલાકાત યાદગાર રહી રોપવેથી દુધિયા તળાવ પહોંચતા બાકીના પગથીયા ચડી માતાજીના દર્શન કર્યા પરંતુ પાછા ફરતા તેજ પવન સાથે ઝરમર વરસાદને કારણે રોપવે બંધ કરી દેવામાં આવ્યો. અને અમારે નાછૂટકે પગથીયા ઉતારવાનું થયું; જોકે મને ઢીંચણનો ડર અને વિક્રમભાઈ કાર્ડિયાક દર્દી છતાં મહાકાળી મંદિરથી માંચી સુધી ધીમેધીમે પગથીયા ઉતાર્યા. પગથીયા ચડવા કરતાં પગથીયા ઊતરવા અઘરું છે, ઊતરતી વખતે ઢીંચણ પર આખા શરીરનું વજન આવે છે. પણ માતાજીની ઇચ્છાને આધીન અમો રાતના આઠેક વાગ્યે માંચી આવી પહોંચ્યા. રાત્રી રોકાણ જાંબુઘોડા સરકારી ગેસ્ટ હાઉસમાં હોય રાતના સૂતા સાથે એક ઊંઘે સવારે નવ વાગ્યે ઉઠયા; જોકે ત્યારથી મારા મનમાં પર્વતારોહણનો જે ડર હતો તે દૂર થઈ ગયો.
તકતશાંગ ગોએમ્બાનો કેડો ભૂદેવના શરીર પર શોભતી જનોઈ જેવો હોય ધીરે ધીરે પર્વતારોહણ કરતા અમો બપોરના બાર-સાડાબાર વાગ્યે વચ્ચે આવતા કાફેટેરિયા પહોંચ્યા. પહાડનું પડખું કાપી તેની ધાર પર બનાવવામાં આવેલા કોફેટેરિયામાં વિવિધ પીણાં તેમજ વેજ-નોન વેજ વાનગીઓ જોવા મળી. જોકે ખાવાની ઈચ્છા ન હોય રૂ. 80/-માં મળતી 100 ml લીંબુ પાણીની બોટલ 20 મીનીટના બ્રેક સમયમાં ધીરે ધીરે પીય આગળ જવા રવાના થયા. જોકે કોફેટેરીયા સુધી આવેલા પાંચેક મિત્રોએ આગળ જવાનું માંડી વાળ્યું. કોફેટેરીયાથી તકતશાંગ ગોએમ્બા (ટાઈગર નેસ્ટ)નું દ્રશ્ય ખરેખરે અદ્ભૂત હતું, જાણે પર્વતની સાથે ફેવીકવીકથી ચોંટાડી દેવામાં આવેલ કોઈ આર્ટીકલ જેમ ધૂમ્મસીયા વાદળોથી ઢંકાયેલા ટાઈગર નેસ્ટ પરથી નજર હટાવવાનું મન થતું ન હતું. ચારેબાજુ વનરાજી વચ્ચે શોભતા ટાઈગર નેસ્ટ નજીક 60 મીટર (200 ફૂટ)ની ઊંચાઈથી પડતા પાણીના ધોધનું દ્રશ્ય ખૂબજ નયનરમ્ય હતું. અમે જે પર્વત પર હતા તેનાથી ટાઈગર નેસ્ટ અલગ પર્વત પર જોવા મળ્યો.
થોડીવાર ટાઈગર નેસ્ટના રમણીય દ્રશ્યો સાથે પારો ખીણ અને રળીયામણી હિમાયલ પર્વતમાળાને મનભરી માણી ફરી કેડો પકડયો. ધીરેધીરે આગળ વધતા અમો જે પર્વત પર હતા તેને છેડે આવેલા વ્યૂ પોઈન્ટ પર પહોંચી ગયા. અહીંથી સામેના પર્વત પર તકતશાંગ ગોએમ્બા (ટાઈગર નેસ્ટ) આવ્યો હતો, અમારી વચ્ચે આવેલી ખીણમાં ત્રણસો પગથીયા નીચે ઉતરી વચ્ચે આવેલા જળ ધોધ સાથે લાકડાનો પુલ પસાર કરી સામી બાજુ ત્રણસો પગથીયા ચડતા ભૂતાનની અતિપવિત્ર મનાતી ગુરુ રિનપોચેએ જ્યાં ધ્યાન કર્યું તે ગુફા આવેલી હતી, જે ગુફા વર્ષમાં એકજ વાર જાહેર દર્શન માટે ખોલવામાં આવતી હોય હાલ તે બંધ હતી.
ગાઈડ ટૉમટેએ વ્યૂ પોઈન્ટ પર અમારા ફોટા પાડી તકતશાંગ ગોએમ્બાનું રેખાચિત્ર અમારી સમક્ષ રજૂ કર્યું. નીચે ત્રણસો પગથીયા ઉતારી ધોધ નજીક આવેલો લાકડાનો પુલ ક્રોસ કરી ત્રણસો પગથીયા ચડતા ટાઈગર નેસ્ટ આવે છે, અહીં ખડક કોતરી બનાવેલા ચાર મંદિરો પથ્થર અને લાકડાની સીડીઓથી જોડાયેલ છે. સૌથી ઊંચા સ્થાને ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિ આવેલી છે, દરેક મંદિરની બાલ્કનીમાંથી પારો ખીણનો નજારો જોવા મળે છે. મઠમાં મંદિરો ઉપરાંત સાધુઓ માટે રહેણાંક આવેલા છે. ગ્રેનાઇટ ખડકમાં આવેલી ગુફાઓ અને જુદી જુદી ગુફાઓમાંથી મંદિરોમાં સરળતાથી જઈ શકાય તેવી ડિઝાઇન સાથે મઠ બાંધવામાં આવેલ છે. ગુરુ રિનપોચે (પદ્મસંભવ) વાઘ પર સવાર થઈ પ્રથમ જે ગુફામાં પ્રવેશ્યા તે ગુફા ‘થોલુ ફુક’ તરીકે ઓળખાય છે અને જ્યાં રહી ધ્યાન કરતા તે ‘પેલ ફુક’ તરીકે ઓળખાય છે. મુખ્ય ગુફામાં સાંકડા માર્ગથી પ્રવેશ કરતા અંધારી ગુફામાં બોધિસત્વોની છબીઓ અને ટમટમતા દીવા વચ્ચે અવલોકિતેશ્વર (ચેનરેઝિગ)ની એક ભવ્ય છબી આવેલી છે. જેની સામે રહેલો પવિત્ર ગ્રંથ પવિત્ર લામાના અસ્થિનો પાઉડર સોનામાં મેળવી લખવામાં આવેલો હોવાનું કહેવાય છે. અહીં વજ્રયાન બૌદ્ધ ધર્મી સાધુઓ ત્રણ વર્ષ સુધી એકાંતમાં રહી સાધના કરતા હોય છે.
મંદિરનું વાતાવરણ જીવંત રાખવા વૃક્ષો, પાણીના ફુવારા, વરસાદી માહોલ સાથે મેઘધનુષ અને કમળના ફૂલોમાંથી નીકળતા પ્રકાશ સ્વરૂપે રત્નોથી શણગારેલા સિંહાસન સાથે ગુરુ પદ્મસંભવને કમળની દાંડી પર બેસી દૈવી ઊર્જાનું ઉત્સર્જન કરતા ઉગ્ર સ્વરૂપમાં ચિત્ર સ્વરૂપે દર્શાવેલા છે. અહીં ભગવાન બુદ્ધને વિવિધ સ્વરૂપે દર્શાવી દુષ્ટ રાક્ષસોને વશ કરતા બતાવ્યા છે. ગુરુ રિનપોચે (પદ્મસંભવ)ની છબી આસપાસ દોરવામાં આવેલા દેવી-દેવતાઓ, દ્વારપાલો, સંદેશવાહકો અને સેવકોની સેના રાક્ષસોનો નાશ કરવાનો પ્રયાસ કરતી દર્શાવી છે.
ગાઈડની વાત સાંભળી ભૂતાનના સુપ્રસિદ્ધ મઠો જોયા હોય ટાઈગર નેસ્ટ જવા માટે વ્યૂ પોઈન્ટથી જવા-આવવાના બારસો પગથીયા ચડવા કે કેમ ? અને ત્યાં જઈને પણ અમોને ગુરુ રિનપોચે (પદ્મસંભવ) વાઘ પર સવાર થઈ પ્રથમ જે ગુફામાં પ્રવેશ્યા તે ‘થોલુ ફુક’ ગુફા બંધ હોય દર્શન કરવા શકય ન હોય વ્યૂ પોઈન્ટથી તકતશાંગ ગોએમ્બાનો મનભરી નજારો માણ્યો અને ત્યાંથી જ પાછા ફર્યા જોકે અમારી સાથેના બે મિત્રો તો તકતશાંગ ગોએમ્બા જઈને જ પાછા ફર્યા. વળતા ઊતરતી વખતે વધુ પડતી સાવચેતી સાથે સાંજના ચારેક વાગ્યે લાખંક પાછા ફર્યા. જોકે કેટલાક મિત્રો સાડા પાંચેક વાગ્યે પાછા ફરતા લાખંક રેસ્ટોરન્ટમાં હળવો નાસ્તો કરી પારો પાછા ફરતા ટૉમટેને સ્ટોન બાથ લેવાની ઈચ્છા દર્શાવી.
ભૂતાનના ગરમ પથ્થરના સ્નાનને સ્થાનિક ભાષામાં ‘ડોત્શો’ કહે છે, જે પરંપરાગત સુખાકારી વિધિ મુજબ ઔષધીય વનસ્પતિઓ સાથે લાકડાના ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં નદીના ગરમ કરેલા પથ્થરો મુકી સ્નાન કરવામાં આવે છે. ઔષધીય વનસ્પતિઓને કારણે સ્ટોન બાથથી શરીરમાં રહેલા ઝેરી તત્વોના નાશ સાથે બીમારીઓ દૂર થતા ઉપચારાત્મક લાભો પ્રાપ્ત થાય છે. એ સાથે શરીરમાં રહેલા સ્નાયુના દુ:ખાવા, સંધિવા, પેટના વિકારો જેવી બિમારીઓમા રાહત થતા શરીરમાં તાજગી મેળવવા ભૂતાનની સ્ટોન બાથ એક લોકપ્રિય પરંપરા છે.
સ્ટોન બાથમાં નદીના પથ્થરોને આગમાં ગરમ કરી ઔષધીય વનસ્પતિઓ સાથે ઠંડા પાણીથી ભરેલા લાકડાના ટબમાં કાળજીપૂર્વક મૂકતા આ પથ્થરો ફાટતા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનિજો મુક્ત થાય છે, જેનાથી શરીરને ઝેરી તત્વોથી મુક્ત થવામાં મદદરૂપ થાય છે. એ સાથે હીલિંગ અસરો વધારવા ઔષધીય વનસ્પતિઓ ખાસ કરીને આર્ટેમિસિયા (ખેમ્પા) પાણીમાં ઉમેરવામાં આવતા ખનિજયુક્ત પાણી સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, હાયપરટેન્શન, પેટના વિકારો, ચામડીના રોગો, મુસાફરીની બીમારી અને જકડાયેલા શરીરને રાહત આપતા પાણીમાંથી નીકળતી ગરમી રક્ત પ્રવાહને વધુ સુચારું બનાવે છે. સ્ટોન બાથ (ડોત્શો) તન સાથે મનને શાંત કરનાર હોય તે ભૂતાનની સંસ્કૃતિ સાથે જોડાયેલ પ્રાચીન પરંપરા છે.
ગાઈડ ટૉમટેએ સ્ટોન બાથ અંગે તપાસ કરતા 12 જૂન સવારના 09 વાગ્યાનો સમય મળતા આવતી કાલે સવારે આઠ વાગ્યે અમારે ફુએન્તશોલિંગ પાછા ફરવાનું હોય મારા માટે તે શક્ય ન હતું. હોટેલ પર પાછા ફરી સ્ટોન બાથ શક્ય ન બનતા બાથરૂમમાં ગરમ ફુવારા નીચે અર્ધો કલાક હૂંફાળા ગરમ પાણીથી સ્નાન કરતા ટાઈગર નેસ્ટનો થાક ઓગળી જતા શરીરમાં તાજગી અનુભવી. એ સાથે શ્રીમતીજી સાથે પારો બજારમાં ખરીદી કરવા જતા કેટલીક ખરીદી કરી પારોનો પ્રસિદ્ધ આઇસક્રીમ ખાઈ પાછા ફરતા રાતના નવ વાગ્યે રાત્રી ભોજન લઈ આવતી કાલ 10 જૂન પ્રવાસની તૈયારી કરી શુભરાત્રી કરતા ઊંઘી ગયા.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ


3 Comments
OPEN88 là nhà cái trực tuyến được nhiều người chơi lựa chọn nhờ nền tảng ổn định và hệ thống bảo mật cao. OPEN88 cung cấp đa dạng trò chơi như cá cược thể thao, casino trực tuyến, slot game với giao diện thân thiện, tỷ lệ cược hấp dẫn và quy trình nạp rút nhanh chóng.
QQ88 là nhà cái cược trực tuyến uy tín hàng đầu Việt Nam, mang đến kho game khủng bao gồm: Baccarat, tài xỉu, bắn cá, xóc đĩa, đá gà, nổ hũ,… nạp đầu tặng 100%.
QQ88 là nhà cái cược trực tuyến uy tín hàng đầu Việt Nam, mang đến kho game khủng bao gồm: Baccarat, tài xỉu, bắn cá, xóc đĩa, đá gà, nổ hũ,… nạp đầu tặng 100%.