સાવરકુંડલા.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા **‘કરુણા અભિયાન’**ને સાર્થક બનાવવાના ઉદ્દેશથી અમરેલી જિલ્લામાં વન વિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ વિભાગ તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા માનવતાવાદી અભિગમ સાથે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાવરકુંડલા ખાતે નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી જીવમાત્રના રક્ષણ માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં વિહરતા અબોલ પક્ષીઓને ઘાતક દોરીથી બચાવવા માટે સાવરકુંડલા શહેરની વિવિધ શાળાઓમાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શક માહિતી આપવામાં આવી હતી તેમજ અંદાજે 5000 પત્રિકાઓનું વિતરણ કરીને સંદેશ આપવામાં આવ્યો હતો કે, “આપણા તહેવારો કોઈના જીવન માટે ઘાતક ન બનવા જોઈએ.”
ઉતરાયણ દરમિયાન જનસામાન્યમાં સુરક્ષિત સવારી માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ખાસ કરીને ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ તથા ગળાના સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવો, તેમજ વીજ તાર પર ફસાયેલી પતંગની દોરી ન ખેંચવા જેવી મહત્વની સૂચનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વ્યાપક પ્રચાર અને જનજાગૃતિના પરિણામે આ વર્ષે પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ તથા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલાના કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી અત્યાર સુધીમાં 4 ઘાયલ પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 19 વર્ષથી અબોલ જીવોની સેવામાં અવિરત કાર્ય કરી રહી છે. સંસ્થાએ જાહેર જનતાને હૃદયપૂર્વક અપીલ કરી છે કે, “જો રસ્તા પર કે અન્યત્ર ક્યાંય ઘાતક પતંગની દોરી દેખાય, તો પક્ષી કે માનવી માટે જોખમ ન બને તે માટે તેનો સલામત રીતે નિકાલ કરશો.”
વન વિભાગ, પશુપાલન વિભાગ તથા સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના ઉત્તમ સંકલનથી સમગ્ર અમરેલી જિલ્લા અને સાવરકુંડલામાં ‘કરુણા અભિયાન’ માનવતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
બ્યુરો રિપોર્ટ : ગુજરાત પ્રવાસી ન્યૂઝ

