સરકારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agriculture Infrastructure Fund) હેઠળ 4003 પ્રોજેક્ટ માટે 2071 કરોડનું ફંડ બહાર પાડ્યું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગૃહમાં આ માહિતી આપી છે. તોમરે લોકસભામાં (Lok Sabha) લેખિતમાં જણાવ્યું હતું કે, કુલ 8488 પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 6098 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. તેમાંથી 4003 પ્રોજેક્ટ માટે 2071 કરોડનું ફંડ વિતરણ કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે 8488 પ્રોજેક્ટ્સમાંથી સૌથી વધુ 1954 પ્રોજેક્ટ મધ્યપ્રદેશ માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ પછી, આંધ્રપ્રદેશ માટે 1424 પ્રોજેક્ટ, કર્ણાટક માટે 900 પ્રોજેક્ટ, ઉત્તર પ્રદેશ માટે 684 પ્રોજેક્ટ, રાજસ્થાન માટે 654 પ્રોજેક્ટ અને મહારાષ્ટ્ર માટે 555 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
ક્યાં કેટલા પ્રોજેક્ટને મંજૂરી મળી
તોમરે કહ્યું કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળી માટે 5067 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. કૃષિ ઉદ્યોગ સાહસિકો માટે 2576 પ્રોજેક્ટ્સ, વ્યક્તિગત ખેડૂતો માટે 685 પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે 53 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
આ ફંડની રચના 2020માં કરવામાં આવી હતી
સરકારે 2020માં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના કરી હતી. આ ભંડોળની મદદથી, નાણાકીય વર્ષ 2025-26 સુધી ખેડૂતો અને કૃષિ માટે મધ્યમ લાંબાગાળાની લોનનું વિતરણ કરવામાં આવે છે.
યોજનામાં શું ખાસ છે?
1. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ લોન પર વ્યાજમાં 3 ટકાની છૂટ મળશે.
2. સરકાર ધિરાણ આપનાર બેંકને 2 કરોડ રૂપિયા સુધીની લોન પર બેંક ગેરંટી આપશે.
3. રૂ.2 કરોડ સુધીની લોન માટે વ્યાજ સહાય એક જગ્યાએ ઉપલબ્ધ થશે.
4. એટલે કે, જો એક યુનિટ ઘણી જગ્યાએ પ્રોજેક્ટ શરૂ કરે છે, તો બધા માટે વ્યાજ સહાય ઉપલબ્ધ થશે.
5. ખાનગી ક્ષેત્ર માટે આવા પ્રોજેક્ટ્સની મહત્તમ મર્યાદા 25 નક્કી કરવામાં આવી છે.
6. યોજનાની કુલ અવધિ 2032-33 સુધી 10 થી વધારીને 13 વર્ષ કરવામાં આવી છે.
મંડી બંધ થવાની શક્યતા દૂર કરવાનો પ્રયાસ
હવે આ ફંડનો ઉપયોગ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીઓ (APMC)ની ક્ષમતાના વિસ્તરણ માટે પણ થઈ શકે છે. 8મી જુલાઈના રોજ આ યોજનામાં સુધારો કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, હવે કૃષિ બજારોમાં કોલ્ડ સ્ટોરેજ અને સોર્ટિંગ યુનિટ્સ માટે રૂ. 2 કરોડ સુધીની લોન પર વ્યાજ સહાય આપી શકાય છે. સરકારનો પ્રયાસ એવો છે કે વિરોધ કરી રહેલા લોકોના મનમાંથી ડર દૂર થાય કે નવા કૃષિ કાયદા બાદ મંડીઓ નાબૂદ થઈ જશે.