ભાવનગર | તળાજા:
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા અને ભારપરા ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવો પ્રસંગ યોજાયો હતો. મથાવડા-ભારપરા ગ્રામ સમસ્ત દ્વારા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ અત્યંત ભવ્ય અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે આર્થિક રીતે નબળા ૧૧ ગરીબ પરિવારોની દીકરીઓએ ધામધૂમથી લગ્નગ્રંથિએ જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી.
આ પવિત્ર આયોજન સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા સ્થિત શ્રી મોમાઈ માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય મસાપીર બાપુના અધ્યક્ષ સ્થાને તેમજ કામરૂદેશના કાળકા માતાજીના ઉપાસક પરમ પૂજ્ય ભુરીમાંના આશીર્વાદ હેઠળ યોજાયું હતું. પૂજ્ય મસાપીર બાપુએ સમગ્ર કાર્યક્રમમાં ભોજન મહાપ્રસાદના મુખ્ય દાતા બની સેવા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કન્યાવિદાયના સમયે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. નવવધૂઓએ ભાવુકતાથી આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે,
“અમારે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારા લગ્ન આટલી ધામધૂમથી થશે. પૂજ્ય મસાપીર બાપુ અને પૂજ્ય ભુરીમાંના આશીર્વાદથી અમને પિતાની છત્રછાયા જેવો સહારો મળ્યો છે.”
સમૂહલગ્નમાં નવદંપતીઓને નવું ઘર વસાવવા માટે ૧૦૦થી વધુ વસ્તુઓનો રાજવી કરિયાવર અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં
-
ઇલેક્ટ્રોનિક્સ: ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન
-
ફર્નિચર: કબાટ, સોફા સેટ, પલંગ
-
ઝવેરાત: સોના-ચાંદીના આભૂષણો
-
તેમજ રસોડાની તમામ જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થયો હતો.
આ પ્રસંગે પૂજ્ય જયદેવશરણજી મહારાજ (ગૌધામ-કોબડી), હિંગળાજ આશ્રમ ચોટીલાના માતાજી, માનવ મંદિર સાવરકુંડલાના પૂજ્ય ભક્તિરામબાપુ સહિત અનેક સંતો-મહંતોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ આસપાસના ગામોના સરપંચોએ પણ હાજરી આપી હતી.
કાર્યક્રમના અંતે પૂજ્ય ભુરીમાં દ્વારા આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ સ્વયંસેવકો, કાર્યકરો અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


મથાવડા-ભારપરા ગામમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ દરમિયાન ૧૧ નવદંપતીઓને આશીર્વાદ આપતા સંતો-મહંતો અને આગેવાનો.
રિપોર્ટ: બ્યુરો ચીફ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ
અમદાવાદ, ગુજરાત

