ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડને ૧૪ દિવસ કરતા વધુ સમય થયો, હું ૧૪ દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, પીડીતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોકસંપર્ક કર્યો, અનેક મીડીયા મિત્રો – પત્રકાર મિત્રો સાથે અગ્નિકાંડ વિશે વાત કરી, અગ્રણી નાગરિકો અને બુધ્ધિજીવીઓને મળ્યા, સમગ્ર રાજકોટનું એકસુરે આજની તારીખે એવુ માનવું છે કે, અગ્નિકાંડમાં પણ તક્ષશીલાકાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી. આખુ રાજકોટ એકસુરે આ વાત કહી રહ્યું છે. રાજકોટના રહેવાસીઓ અને પીડીત પરિવારજનો એવુ એટલા માટે માની રહ્યાં છે કે અગાઉ તક્ષશીલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, રાજકોટમાં કોરોના દરમ્યાન સ્વર્ણ હોસ્પિટલમાં લાગેલ આગમાં આઠ લોકોના મૃત્યુ પામ્યાની ઘટના અને વડોદરાની અગ્નિકાંડની ઘટના આવી એકપણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે કસુરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં પીડીત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે આ કિસ્સામાં એમને કોઈપણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી.
ગઈકાલે સરકારના એક મંત્રીએ અને એસ.આઈ.ટી.ના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું કે, આ અંગે તપાસ ચાલી રહી છે. ઘટના બન્યાને થોડાક દિવસોમાં એક મહિનો થવા આવશે એમ છતાં આ તપાસમાં એવુ તો શું કરી રહી છે એનાથી સમગ્ર ગુજરાતની જનતા એકપ્રકારે અજાણ છે. અમે ઘટના સ્થળની મુલાકાત લીધી. ત્યારે તમામ લોકોનું એકસુરે કહેવુ હતુ કે સાડા ચાર – પાંચ વાગે ઘટના બની એના ગણતરીના કલાકોમાં હજી એસ.આઈ.ટી.નું ઘટન થયું નથી, હજી ઈન્વેસ્ટીગેશનની નિમણુંક થઈ નથી અને એફ.એસ.એલ. ના મિત્રોએ એકપણ પુરાવો કલેક્ટ કર્યો નથી એની પહેલા આખો ક્રાઈમસીન ટોટલ ડીસ્મેન્ટલ કરી નાખ્યો, ડિસ્ટર્બ કરી નાખ્યો, એલ.એલ.બી.ના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોકરક્ષક દળને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈપણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રીત કર્યા ના હોય ત્યાં સુધી આવા ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી. તો આ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે,
(1) કોની સુચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિ. કમિશ્નર અને પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આ ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરવામાં આવ્યો ?
(2) પેટ્રોલીયમ એક્ટ હેઠળ ત્રીસ લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો એ બાબતમાં હજી સુધી એફ.આઈ.આર.માં કલમ વધારાનો રીપોર્ટ કરીને પેટ્રોલીયમની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી.
(3) રાજકોટ વાસીઓના મુખે એવી ચર્ચા છે કે અત્યારે જે ઓફિસરો ઘટનાની તપાસ કરી રહ્યાં છે એ ઓફિસર પૈકીના બે માણસો બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક જુગારની મેટરમાં તોડ કરી રહ્યાં હતાં.
(4) જે લોકો દારૂ અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યાં છે.
(5) એસ.આઈ.ટી. મોરબીકાંડમાં પણ બની હતી અને મોરબીકાંડની મેટર લડી રહેલા એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબીકાંડમાં દાખલ થયેલ ચાર્જસીટમાં એસ.આઈ.ટી.ના રીપોર્ટને મુકવામાં આવેલ નથી. મતલબ કે આ એસ.આઈ.ટી.ના રીપોર્ટનું તક્ષશીલાકાંડ, મોરબીકાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોઈએ અને એ વખતે હાથમાં કાગળ પકડાવે એનાથી વિશેષ કઈ રહેતુ નથી.
આ એસ.આઈ.ટી. ના વડા સુભાષ ત્રિવેદી છે. અગાઉ સુરતની એક મોકડ્રીલના પ્રકરણમાં પોલીસ ઈન્સ્પેક્ટરના પેટમાં એક મોકડ્રિલ દરમ્યાન જેમાં જીવતુ કારતુસ હતુ એવી રીવોલ્વરથી ફાયર કરીને એમના પેટમાં ગોળી ઠલવી દીધી હતી અને એમનું આઈ.પી.એસ.નું પદ અને નોકરી બન્ને જોખમમાં હતા એવી તેમની સામે તપાસ ચાલતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી ભારતીય જનતા પાર્ટીના આર્શિવાદ અને અહેસાન તળે કરેલી છે અને જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના અહેસાન તળે નોકરી કરી હોય એ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજડ તપાસ કરે તેવુ માનવાને કોઈ કારણ નથી. આ સુભાષ ત્રિવેદી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવેએ જામનગરના એક વ્યક્તિને કસ્ટોડીયલ ટોર્ચર કરવાના પ્રકરણમાં એવી કોમેન્ટ કરેલી કે તમારી સામે સી.બી.આઈ. ઈન્વેસ્ટીગેશનનો ઓર્ડર કેમ ન કરવો ? આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસમાં પણ એસ.આઈ.ટી.ના વડા હતા, લઠ્ઠાકાંડમાં પણ તમે જોયું કે કોઈ એસ.પી. કે આઈ.જી. કક્ષાના અધિકારીની સામે ગુનો દાખલ કર્યો કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર પોલીસ પાસેથી હપ્તા લેતા હોય છે !
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડના મોટા માથાઓથી હજી પણ તંત્ર દૂર છે એક સામાન્ય ટાયર પંચરની દુકાન ચલાવનાર વ્યક્તિને મુખ્ય આરોપી બનાવી દેવામાં આવેલો છે પરંતુ તેની પાછળ કયા નેતા અને કયા અધિકારીના રૂપિયા રોકાયેલા છે તેની કંઈ પણ તપાસ કરવામાં આવતી નથી. એસઆઇટીને પૂછવામાં આવે ત્યારે માત્ર તપાસ ચાલુ છે તેમ કહીને કોઈપણ પ્રકારની માહિતી પત્રકારોને આપવામાં આવતી નથી. દૂર વિદેશ કુવેતમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં વડાપ્રધાન શ્રી દુઃખ વ્યક્ત કરીને બે લાખની સહાય જાહેર કરે છે, પરંતુ તેમના પોતિકા ગુજરાતમાં આ દુઃખ ભરી ઘટનાના પીડિતોને પરિવારને માત્ર ચાર લાખ રૂપિયા આપવા એ ક્યાંનો ન્યાય?
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, રાજકોટની ઘટના સમયે ગેમ ઝોનમાં 150 જેટલા લોકો હાજર હતા અને તેમાં 15 થી 20 નેપાળી લોકો પણ હાજર હતા સરકાર દ્વારા જે મૃત્યુ આંક બતાવવામાં આવેલ છે તે પણ શંકાસ્પદ હોઈ શકે છે. આ સીટના જે અધ્યક્ષ છે તે જ અધિકારી ભૂતકાળની ઘણી જ એસઆઇટીના અધ્યક્ષ છે અને તે કોઈપણ એસઆઇટીના રિપોર્ટમાં કોઈપણ મોટા માથાને આરોપી બનાવવામાં નથી આવ્યા તે જગ જાહેર છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમગ્ર ગુજરાતના ભાજપના ધારાસભ્યશ્રીઓ,રાજકોટના મેયર કે પછી રાજકોટના નવા ચૂંટાયેલા સાંસદ માંથી કોઈ પણ પીડિત પરિવારોના ઘેર આશ્વાસનના શબ્દો કહેવા માટે પણ ગયા નથી. આજ સુધીના આવા દરેક અગ્નિકાંડના કે કોઈપણ બેદરકારી ભર્યા કાંડના આરોપીઓમાના મોટાભાગના જામીન પર છૂટેલા છે તે સરકારની ગુનાહિત બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ પિડીત પરિવારો સાથે છે અને ન્યાય અપાવવા સુપ્રિમકોર્ટ સુધી લડવા મક્કકમ અને કટિબદ્ધ છે.
શ્રી જીગ્નેશભાઈ મેવાણી અને લાલજીભાઈ દેસાઈએ સંયુક્ત પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી સરકારને માંગણી કરી હતી કે, રાજકોટ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયા માનવીય આધારે સહાય ચુકવવામાં આવે.
આગામી તારીખ 15 ના રોજ પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મૃતકના પરિવારો જનો આવેદનપત્ર આપશે. સાથે જ રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી તારીખ 25 જુનના રોજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા શાંતિપ્રિય રીતે રાજકોટ બંધનું એલાન આપવામાં આવેલ છે.
હેમાંગ રાવલ
મીડિયા કોકન્વીનર, પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી
2 Comments
This article had me hooked! For further reading, check out: DISCOVER MORE. What are your thoughts?
Your website is a pleasure to explore with its great layout and content.