રિપોર્ટ : બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
અમદાવાદ શહેરના શાહ આલમ રોઝા વિસ્તારમાં આવેલી ઊંટવાળી ચાલીમાં કાર્યરત પોસ્ટ ઓફિસ તા. 23-06-2025થી બંધ રાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વરસાદી સીઝનમાં સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષાને કારણ દર્શાવી પોસ્ટ ઓફિસને તાત્કાલિક બંધ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તે ફરી શરૂ કરવામાં આવી નથી.
સ્થાનિક નાગરિકોનો સવાલ છે કે ચોમાસું માત્ર ત્રણથી ચાર મહિના જ રહે છે, તો પછી આટલો લાંબો સમય સુધી પોસ્ટ ઓફિસ બંધ રાખવાનો અર્થ શું? પોસ્ટ વિભાગ દ્વારા 23-06-2025ના રોજ મકાન અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે, પરંતુ તે ટેન્ડર પ્રક્રિયાનું શું થયું, કામ ક્યારે શરૂ થશે અને પોસ્ટ ઓફિસ ક્યારે કાર્યરત થશે – તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વડીલો અને પેન્શનરોને સૌથી વધુ મુશ્કેલી
વિસ્તારના વડીલો, પેન્શનરો, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ પોસ્ટલ સેવાઓ માટે હાલ અન્ય વિસ્તારોમાં જવા મજબૂર બન્યા છે. ડાક વિતરણ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર, બચત ખાતા અને આધાર સંબંધિત કામગીરી સહિતની મૂળભૂત સેવાઓ માટે લોકોને લાંબી મુસાફરી કરવી પડી રહી છે.
વડીલોનું કહેવું છે કે “પોસ્ટ ઓફિસ અમારી રોજિંદી જરૂરિયાત છે. નાની નાની કામગીરી માટે પણ હવે બીજા વિસ્તારોમાં જવું પડે છે, જે સમય અને ખર્ચ બન્ને રીતે ભારરૂપ બન્યું છે.”
ટેન્ડર પ્રક્રિયા અંગે અનિશ્ચિતતા
સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે મકાન મરામત માટે ટેન્ડર જાહેર કરાયું હતું, પરંતુ આજ સુધી કામગીરી શરૂ ન થતા લોકોમાં શંકા અને અસંતોષ વધ્યો છે. જવાબદાર અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં ન આવતા પ્રશ્નો ઊભા થયા છે.
તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિક રહેવાસીઓએ પોસ્ટ વિભાગ તથા સંબંધિત અધિકારીઓને વિનંતી કરી છે કે પોસ્ટ ઓફિસ તાત્કાલિક શરૂ કરવામાં આવે અથવા નજીકમાં વિકલ્પ રૂપે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવે.
લોકોનું કહેવું છે કે જાહેર સેવાઓ લાંબા સમય સુધી બંધ રાખવી યોગ્ય નથી અને વહેલી તકે ઉકેલ લાવવામાં આવે.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ આ મુદ્દે સંબંધિત વિભાગનો પ્રતિસાદ મેળવવા પ્રયત્નશીલ છે.
આગામી અહેવાલોમાં વધુ વિગતો રજૂ કરવામાં આવશે.


