ગુજરાત રાજકારણ
ગાંધીનગર / શહેરા (પંચમહાલ)
ગુજરાત વિધાનસભામાંથી એક મહત્વપૂર્ણ અને ચકચાર જગાવતો નિર્ણય સામે આવ્યો છે. શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાનું મુખ્ય કારણ કામનું વધતું ભારણ હોવાનું જાહેર કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપાધ્યક્ષ પદની જવાબદારીઓ સાથે સાથે શહેરા વિધાનસભા ક્ષેત્રમાં વિકાસકાર્યો, જનસંપર્ક, લોકપ્રશ્નોનું નિવારણ તથા સંગઠનાત્મક કામગીરીમાં વધારો થતાં સમય સંચાલન મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે પદેથી વિમુક્ત થવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
જેઠાભાઈ ભરવાડે કહ્યું કે, મારા માટે શહેરા વિધાનસભાના નાગરિકોની સેવા સર્વોપરી છે. વિસ્તારના વિકાસકાર્યો અને લોકોની સમસ્યાઓ માટે વધુ સમય ફાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. ઉપાધ્યક્ષ પદની જવાબદારી સાથે સંપૂર્ણ ન્યાય કરવો મુશ્કેલ બનતો હતો.”
રાજીનામા બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે, જોકે ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ રાજકીય અસંતોષ કે મતભેદના કારણે નહીં પરંતુ સંપૂર્ણપણે વહીવટી અને વ્યક્તિગત કારણોસર લેવામાં આવ્યો છે.
ઉપાધ્યક્ષ તરીકે તેમણે વિધાનસભાની કાર્યવાહી સુચારુ રીતે સંચાલિત કરવી, ચર્ચાઓમાં સંતુલન જાળવવું અને સદનની ગૌરવસભર પરંપરાનું પાલન કરાવવાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવેલી હતી.
રાજીનામા બાદ પણ તેઓ શહેરા વિધાનસભાના ધારાસભ્ય તરીકે સક્રિય રહી જનસેવા અને વિકાસકાર્યોમાં વધુ તીવ્રતાથી જોડાશે તેવી ખાતરી આપી છે.
રિપોર્ટર: વનરાજ રાવલ
સંવાદદાતા: પંચમહાલ – મહિસાગર – દાહોદ

