ગોમતીપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શહેરના ગોમતીપુર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગજરા કોલોનીની બહાર બેઠેલા લોકો પર 4 શખસોએ એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર હિતેશ નામના યુવકે છોડાવવા વચ્ચે પડતાં 4માંથી એક જણાએ રિવોલ્વરથી ફાયરિંગ કરતાં તેને લમણે ગોળી વાગી હતી.
ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ગોમતીપુર પોલીસે ગુનામાં સામેલ મહેશ ઉર્ફે સુલતાન, ધમો અને બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિશાલ પરમાર નામના વ્યક્તિએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, 16 સપ્ટેમ્બરના રોજ મોડીરાતે અમારી ચાલીમાં રહેતો ભાવેશ સોલંકી બહારથી ઘરે આવતો હતો, ત્યારે અમારી ચાલીમા રહેતો મહેશ ઉર્ફે સુલતાન વાઘેલાનો તેના બે મિત્રો સાથે ચાલીના નાકે બેઠો હતો. દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખી ભાવેશને માર માર્યો હતો. જો કે, ત્યારબાદ ભાવેશ ઘરે જતો રહેતા સુલતાને ફોન કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વિશાલે વધુમાં જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે રોજ રાતના દસેક વાગ્યે હું, ભાવેશ, જિતેન્દ્ર ચાવડા, હિતેશ વાઘેલા, વિજય પરમાર, વિશાલ ઝાલા, યોગેશ પરમાર તથા બળદેવ ગરસર સહિતના માણસો ચાલીના નાકે બેઠા હતા. ત્યારે મહેશ ઉર્ફે સુલતાન ભાવેશને વારંવાર ફોન કરીને મારવાની ધમકી આપતો હતો. 18 સપ્ટેમ્બર શનિવાર-રવિવારની રાતે 3 વાગ્યે મહેશ પોતાની કાર લઈને આવ્યો હતો. ઉપરાંત મહેશના મિત્ર ધમો તથા બે અજાણ્યા શખસો એક્ટિવા પર ત્રણ સવારી આવ્યા હતા.
ફરિયાદ અનુસાર ધમાના હાથમાં છરી હતી અને અચાનક જ ચારે જણાએ મારો..મારોની બૂમો પાડીને અમારી તરફ કાચની બોટલ ફેંકતા અમે ચાલી તરફ દોડવા લાગ્યા. દરમિયાન ચાલીના નાકે બેસેલા જિતેન્દ્ર ચાવડા ભાગવા જતા ઠોકર વાગતા પડી ગયો, જેથી એક્ટિવા પર આવેલા ધમાએ જિતેન્દ્રને હાથ અને પગમાં છરીના ઘા માર્યા. દરમિયાન હું તથા ચાલીના માણસો તથા હિતેશ વાઘેલા જિતેન્દ્રને છોડાવવા જતાં એક્ટિવા પર આવેલા ઈસમો તથા કારમાં બેસેલા મહેશે મારો મારોની બૂમો પાડતા ધમાએ તેની પાસે રહેલી રિવોલ્વરથી ફાયરિંગ કરતા ગોળી હિતેશને માથામાં વાગતા ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ ચારેય મહેશ, ધમા અને બે અજાણ્યા શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
હિતેશને ગોળી વાગતા ચાલીના બધા લોકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક રિક્ષામાં બેસાડીને સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા અને 108 આવતા ઈજાગ્રસ્ત જિતેન્દ્રને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન હિતેશને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન હિતેશનું મોત થતાં બનાવ હત્યામાં પલટાઈ ગયો. સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
1 Comment
Very engaging and funny! For more information, click here: LEARN MORE. Let’s chat!