અખબારી યાદી
તા. ૦૧-૧૨-૨૦૨૩
ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરતમાં આવેલી એથર કંપનીમાં એક ભયાનક વિસ્ફોટ થયો તેમાં અનેક મજૂરો અને એન્જિનિયર્સ ઘાયલ થયાં, સાત થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. એથર કંપની સહિત તેનાં જેવી બીજી સાતેક કંપનીઓ વિરુધ્ધ પ્રદુષણ-માનવ સલામતિને લગતી સુનિયોજીત અવ્યવસ્થાના મામલે જીપીસીબી સુરતના રિજનલ ઓફિસરને અનેક રજુઆત કરી હતી છતાં ઔદ્યોગિક સલામતિ મુદ્દે દુર્લક્ષ સેવતાં એથર કંપનીમાં બનેલી આવી ભયાનક વિસ્ફોટ જેવી વિનાશક ઘટના આ કંપનીના સંચાલકો અને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારીનું જ પરિણામ છે. ગંભીર દુર્ઘટના બને તુરંત જ સંચાલકો તરફથી મૃતકો અને ઘાયલો માટે રાહતની જાહેરાત કરીને આવા જધન્ય અપરાધથી બચી ન શકે. એથર કંપનીમાં બનેલી આ વિનાશક ઘટના એ કંપનીના સંચાલકો અને સરકારી અધિકારીઓના મેળાપીપણાનું જ પરિણામ છે. કંપનીના મેનેજમેન્ટ સામે સરકારે પ્રાઈમાફેસી માનવ વધનો ગુન્હો દાખલ કરીને ભોગ બનેલ મૃતક અને ઘાયલોના પરિવારને ન્યાય આપવો જોઈએ. કંપની સાથે સંકળાયેલા લોકો ખુબ જ વગદાર અને ભાજપ સાથે નજીકના સંપર્ક હોય, જીપીસીબીના સંબંધિત અધિકારીઓ પણ ઘોર બેદરકારી દાખવી રહયાં છે. ત્યારે સંબંધિત તમામ અધિકારીઓને નીલંબિત કરીને આ ઘટનાની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયધીશના વડપણ નીચે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના રોકવા માટે ઉદ્યોગો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પણે પાલન થાય, અકસ્માતો નિવારવા માટે સરકાર તરફી ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેમજ એનું પાલન કરાવવા માટે એક અલાયદું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવે, તો જ માનવ જીંદગીને બચાવી શકાશે.
ગુજરાતમાં ત્રણ વર્ષમાં માત્ર સુરત જીલ્લામાં જ ઔદ્યોગિક દુર્ઘટનામાં ૩૦૦ જેટલા મોત થયા છે દરેક ઔદ્યોગિક દુર્ઘટના પછી સરકાર કમીટી બનાવે છે પણ એક પણ અહેવાલ જાહેર કેમ કરતી નથી ? સરકારે બનાવેલી કમીટીનો અહેવાલ, આપેલ ભલામણોનો અમલ કેમ કરવામાં આવતો નથી ? શ્રમિકોના શ્રમને કારણે ગુજરાતની પેટ્રો કેમિકલ, સીરામીક, હિરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ જેવા ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી ફીક્સ કરીને સખત પગલા ભરવા જોઈએ. ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતમાં શ્રમિકોના મોતના આંકડાઓમાં ગુજરાત નંબર વન બનવા પાછળ ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે ભાજપા સરકારના આશીર્વાદથી આવી ગેરકાયદેસર ફેકટરીઓ ધમધોકાર ચાલી રહી છે, આવી કેમિકલ ફેકટરીઓવાળાના તાર મુખ્યમંત્રીશ્રી કાર્યાલય સુધી પથરાયેલા છે.
ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે જે ખુબજ ગંભીર બાબત છે. ૨૦૧૪-૨૧માં ૧૭૦૦ જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૫૫૦૦ વધુ શ્રમિકો ગંભીર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં સુરત જીલ્લામાં ૩૦૩ શ્રમિકો, અમદાવાદમાં ૨૬૧ શ્રમિકો, ભરૂચમાં ૨૫૨ શ્રમિકો, વલસાડમાં ૧૫૬ શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં ૬૫૯ શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૩૧ જેટલા શ્રમિકોએ છેલ્લા સાત વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યા માત્ર કહેવા પુરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ-ભ્રષ્ટાચારની નીતિ રીતી ને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે. ગુજરાતમાં અનેક કેમીકલ કં૫નીઓમાં ફાયર અને અન્ય સેફટીની પુરતી સુવિધાઓ નથી. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્યા બાદ હરકતમાં આવે છે અને ૨-૪ દિવસ દેખાવ કરવા પુરતા પગલાંઓ લેતા હોય છે ફરીથી તંત્ર હપ્તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે પરિણામે આવી ગંભીર ઘટનાઓ બને અને નિદોર્ષ શ્રમિકો જાન ગુમાવે ત્યારે સરકાર મૃતકના પરીવારજનોને ૨-૪ લાખની સહાય આપીને સંતોષ માને છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Very informative and funny! For those curious to know more, check out: FIND OUT MORE. Let’s discuss!