અમદાવાદ ગુજરાત
આજે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઇ જામ ખંભાળિયા ખાતે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાયું. આ ખેડૂત સત્યાગ્રહ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ સૌએ સાથે મળીને ખેડૂતોના પડતર પ્રશ્નો બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યું. આ ખેડૂત સત્યાગ્રહ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું ખેડૂતો માટે જીવું છું અને ખેડૂતો માટે મરવાનો છું. આજે ડાયરેક્ટ રીતે જોવા જઈએ તો બે થી અઢી કરોડ લોકો ખેતી પર નિર્ભર કરે છે અને બીજા એક કરોડ લોકો ઇનડાયરેક્ટ રીતે ખેતી પર નિર્ભર કરે છે. આ ત્રણ-સાડા ત્રણ કરોડ લોકો માટે હું હંમેશા અવાજ ઉઠાવતો રહીશ. આપણો દેશ ખેડૂત પ્રધાન દેશ છે તો હું આપણા દેશના નેતાઓને કહેવા માંગીશ કે તમે થોડા ઉદ્યોગપતિઓની જગ્યાએ ખેડૂતો વિશે વિચારો.
આજે ફક્ત જામખંભાળિયા કે દ્વારકાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી હું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને બીજા તમામ મંત્રીઓને કહેવા માંગીશ કે જો તમે જશ લેવા માંગતા હો તો ખેડૂતની જમીન માપણી રદ કરાવો, જો તમે આ કરાવી દેશો તો અમે તમારું સન્માન કરવા માટે તૈયાર છીએ. જો સરકાર આ જમીન માપણી રદ નહીં કરે તો હું ખાતરી આપું છું કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પહેલી જ કેબિનેટ મિટિંગમાં હું ખેડૂતો માટે જમીનોના ખોટા થયેલા સર્વે અને જમીન માપણીને રદ કરીશ. ખેડૂતોને હું કહેવા માંગીશ 2027માં તમે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો નહીંતર આ ભાજપના લોકો તમારા બાળકો માટે એક વીઘો જમીન પણ નહીં રહેવા દે. એટલે આવનારી ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોનું કોઈ દેવું માફ કર્યું નહીં, પરંતુ ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું. નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. ગુજરાતના ખેડૂતોનું દેવું 96 હજાર કરોડ છે, અને ભારતના તમામ 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડનું દેવું છે. જો સરકાર આ તમામ ખેડૂતોના દેવા માફ કરી દે તો 16 કરોડ ખેડૂતોના ઘરે દિવાળી જેવો માહોલ બને પરંતુ સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરતી અને પોતાના માનિતા ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તમામ રાજ્યોમાં ચાલે છે પરંતુ ગુજરાતમાં બંધ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી એટલા માટે ગુજરાતના ખેડૂતોને પાક વીમાનો ફાયદો નથી મળી રહ્યો. કોઈપણ ગાડી વીમા વગર ન ચાલી શકે પરંતુ ખેડૂતનો જે દિવસ રાત મહેનત કરેલો પાક હોય છે તે વીમા વગર ચાલતો હોય છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી સહાય યોજનાની વાત થઈ હતી પરંતુ અત્યાર સુધી કોઇપણને મુખ્યમંત્રી સહાય યોજના આપી નથી.