અખબારી યાદી તા. ૧૭-૧-૨૦૨૪
અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના છતાં વધુ એક અંધાપા કાંડ થાય તેની રાહ જોતુ હોય તેમ ઉંઘી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દ્રષ્ટિ ગુમાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં આરોગ્ય સેવાના કરોડો રૂપિયાના બજેટની જાહેરાત કરતી ભાજપ સરકારે રાજ્યમાં જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલોનું માળખું તોડી નાખ્યું છે. કરોડો રૂપિયાના ટેન્ડર દ્વારા બાંધકામ અને સાધનો ખરીદીમાં વિશેષ રસ દાખવતું આરોગ્ય વિભાગ દર્દીઓને સારી સારવાર મળે તે માટે ચિંતા કરતું હોય તેમ જણાતું નથી.
ગુજરાતમાં પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અને રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં લાંબા સમયથી નિષ્ણાંત ટેકનેશીનીયનો, લેબ આસિસ્ટન્ટની જગ્યાઓ પર કાયમી ભરતી ના કરીને તમામ જગ્યાએ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ દાખલ કરી દીધી છે જેના લીધે આરોગ્ય સેવાઓ ઉપર મોટી અસર પડી રહી છે અનેક હોસ્પિટલોમાં મોઘા સાધનો છે પણ ઓપરેટ કરવાવાળા ટેકનેશીનીયનો અને કર્મચારીઓની ખાલી જગ્યાથી મુશ્કેલી ઉભી થઈ રહી છે. જુન 2021માં સુરતમાં સૌથી વધુ લોકોને સારવાર દરમ્યાન આંખની દ્રષ્ટિ ગુમાવવાથી લઈને ઝાખપ આવી ગઈ હોય તેવી તકલીફો સામે આવી હતી.
અમરેલીમાં 2022માં સિવિલ હોસ્પીટલમાં 13 લોકોને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. તે સમયે વ્યાપક ઊહાપોહ હોવા છતાં તંત્ર માત્ર કમીટી નીમીને સંતોષ માન્યો હતો. આજદિન સુધી સરકાર નિયુક્ત સમિતિનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી એટલુ જ નહીં પણ અહેવાલમાં જે નિષ્ણાંતોએ ભલામણો કરી હતી તેને અમલવારી કરી હોત તો આજે અમદાવાદ જીલ્લાના માંડલમાં બનેલા અંધાપા કાંડને રોકી શકાત.
રાજકોટ, આણંદ, નડિયાદ ખાતે ગંભિર ઘટનાઓમાં મોતીયાના ઓપરેશન દરમ્યાન દ્રષ્ટિ ગુમાવવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જ્યારે જ્યારે અંધાપા કાંડ જેવી ઘટનાઓ સામે આવે, ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના દર્દીઓ આંખ ગુમાવે ત્યારે સરકાર એક જ જાહેરાત કરશે કે મદદ કરીશું પણ દ્રષ્ટિ પરત મળતી નથી. આંખ ગુમાવવાની વેદના એ વ્યક્તિ જ સમજી શકે. અમરેલીમાં ઘટના બની ત્યારે શાંતાબા હોસ્પિટલ ખાતે 13 લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. રાજ્ય સરકારે ઓગસ્ટ 2023માં તપાસની જાહેરાત પણ કરી હતી. આજદિન સુધી અહેવાલ આવ્યો કે નહીં તેની વિગતો મળતી નથી. આટલી ગંભિર અંધાપા કાંડ જેવી ઘટના છતાં સરકારે નિષ્ણાંતોની સમિતિનો અહેવાલ અભેરાઈ એ ચઢાવી દીધો હોય તેમ જણાય છે. અમરેલીની ઘટનામાં એક દર્દી જેમને અંધાપો આવ્યો છે એ બાબુભાઈ ધાનાણીને આજદિન સુધી સરકારે જાહેરાત કરેલ મુજબ વળતર પણ મળ્યું નથી અને એક કચેરીએથી બીજી કચેરીએ ધક્કા ખાઈ રહ્યાં છે. ત્યારે દુર્ઘટના પછી લીપાધોપી કરતી ભાજપ સરકાર અંધાપા કાંડનું પુનરાવર્તન ન થાય તે માટે લાંબાગાળા અને ટૂંકાગાળાના સુરક્ષાલક્ષી પગલા ક્યારે ભરશે ? તેનો જવાબ આપે.
1 Comment
Excellent content! The way you explained the topic is impressive. For a deeper dive, check out this resource: EXPLORE FURTHER. What do you all think?