દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ફરી એકવાર ગેરરીતિ, ગોલમાલ અને પેપર લીકના આરોપોને લઈને દેશવ્યાપી ચર્ચામાં આવી છે. પરીક્ષા રદ થવાના કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભારે નિરાશા અને રોષનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર આકરા પ્રહારો કરતાં શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે NEET 2026 રદ થવાને કારણે ગુજરાતના અંદાજે 30 હજારથી વધુ તેમજ સમગ્ર દેશના 23 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપનાઓ ચૂર-ચૂર થઈ ગયા છે. વિદ્યાર્થીઓએ વર્ષો સુધી મહેનત કરી, માતા-પિતાએ દેવા કરીને અને ઘરેણાં ગીરવે મૂકી બાળકોને ભણાવ્યા, પરંતુ પેપર લીક અને સરકારની બેદરકારીના કારણે તેમની મહેનત વ્યર્થ ગઈ છે.
તેમણે આક્ષેપ કર્યો કે આ માત્ર એક વહીવટી ભૂલ નથી, પરંતુ દેશના યુવાનો સાથે કરવામાં આવેલો ગંભીર અન્યાય છે. NEET પરીક્ષાના પેપર અગાઉ પણ 2017, 2021 અને 2024માં લીક થવાના આરોપો સામે આવ્યા હતા અને હવે 2026માં ફરી એકવાર એ જ પરિસ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના મતે આ કોઈ સંયોગ નથી, પરંતુ પરીક્ષા પ્રણાલીમાં વ્યાપેલી ગેરવ્યવસ્થાનો સ્પષ્ટ પુરાવો છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં કુલ 89 પેપર લીકની ઘટનાઓ બની છે અને 48 વખત પુનઃ પરીક્ષાઓ લેવાની ફરજ પડી છે. SSC, UPSC, REET, BPSC અને NEET જેવી અગત્યની પરીક્ષાઓમાં વારંવાર ગેરરીતિ સામે આવતાં દેશના શિક્ષણ તંત્રની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
ગુજરાતની પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે 2024ની NEET પરીક્ષા દરમિયાન ગોધરા સેન્ટર પર ગેરરીતિ સામે આવી હતી. તપાસમાં અનેક લોકો દોષિત સાબિત થયા છતાં, ભાજપ સાથે સીધો સંબંધ હોવાના કારણે આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં 2014થી 2024 દરમિયાન અંદાજે 34 પેપર લીકની ઘટનાઓ બની છે, છતાં આજદિન સુધી કોઈ મોટા આરોપીને કડક સજા આપવામાં આવી નથી.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર પેપર માફિયાઓને પકડવાને બદલે તેમને રાજકીય સંરક્ષણ આપી રહી છે. મહેનતુ વિદ્યાર્થીઓ જ્યારે ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અને નિરાશામાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે સરકારનું મૌન અત્યંત શરમજનક છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે “પ્રધાનમંત્રીનો કહેવાતો અમૃતકાળ હવે દેશ માટે વિષકાળ બની ગયો છે.”
કોંગ્રેસ પક્ષે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, પેપર લીક માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીમાં મોટાપાયે સુધારા કરવામાં આવે.
પક્ષે ચેતવણી આપી છે કે જો સરકાર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો દેશની યુવા શક્તિ રસ્તા પર ઉતરીને આ અન્યાય સામે ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસના મતે યુવાનોના ભવિષ્ય સાથે ખેલખલ કરનાર કોઈપણ સરકાર લાંબા સમય સુધી ટકી શકતી નથી.
Gujarat Pravasi News