અખબારી યાદી
તા. ૧૨–૦૫–૨૦૨૬
દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ફરી એકવાર મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ અને પેપર લીકના આરોપોને લઈને ચર્ચામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ એમ. દોશી એ આ મામલે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે આ માત્ર સંયોગ નથી, પરંતુ સુવ્યવસ્થિત પેપર લીકનું જાળું છે.
તેમણે જણાવ્યું કે NEET-UG 2026 માટે ગુજરાતમાંથી ૮૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે જ્યારે દેશભરમાં ૨૨.૭૯ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાના બાળકોના ભવિષ્ય માટે સમય, પૈસા અને આશાઓ દાવ પર મૂકે છે, પરંતુ વારંવાર થતા પેપર લીકના બનાવોથી પ્રામાણિક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.
ડૉ. દોશીએ જણાવ્યું કે મોદી સરકારના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન NEETના પેપર ૨૦૧૬, ૨૦૨૧, ૨૦૨૪ અને હવે ૨૦૨૬માં પણ લીક થવાના આરોપો સામે આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે NTA અને કેન્દ્ર સરકાર પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે દેશભરમાં છેલ્લા સાત વર્ષમાં ૬૫ જેટલી વિવિધ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા છે, જેના કારણે અંદાજે બે કરોડથી વધુ યુવાનો પ્રભાવિત થયા છે. SSC, UPSC, REET, BPSC અને NEET જેવી અગત્યની પરીક્ષાઓમાં વારંવાર ગેરરીતિઓ સામે આવવી એ ગંભીર ચિંતાનો વિષય છે.
ગુજરાતની સ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં પણ ૨૪ કરતાં વધુ અલગ અલગ પરીક્ષાઓના પેપર લીકની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
ડૉ. દોશીએ કેન્દ્ર સરકાર પર પેપર લીક માફિયાને રાજકીય સંરક્ષણ આપવાનો આક્ષેપ કરતાં જણાવ્યું કે મહેનતુ વિદ્યાર્થીઓ રાત-દિવસ અભ્યાસ કરે છે, જ્યારે કેટલાક લોકો પૈસા અને પ્રભાવના બળે સફળતા મેળવી લે છે. તેમણે પ્રશ્ન કર્યો કે NTA અને શિક્ષણ મંત્રાલય વારંવાર નિષ્ફળ જતા હોવા છતાં જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી નથી?
તેમણે માંગ કરી કે NEET 2026 મામલે CBI તપાસ કરાવવામાં આવે, પેપર લીક માફિયાની સામે NIA જેવી કેન્દ્રીય એજન્સી દ્વારા કાર્યવાહી થાય તેમજ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે પરીક્ષા સુધારણા આયોગની રચના કરવામાં આવે.
ડૉ. મનિષ એમ. દોશી
મીડિયા કન્વીનર અને પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

1 Comment
I like what you guys are up also. Such intelligent work and reporting! Carry on the excellent works guys I have incorporated you guys to my blogroll. I think it will improve the value of my website 🙂