અમદાવાદ। ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આગામી ૨૮ અને ૨૯ મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને રાજકીય તેમજ વિકાસલક્ષી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિત અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ સંગઠનાત્મક બેઠકો અને સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, શ્રી અમિત શાહ ૨૮ મેના રોજ પોતાના સંસદીય ક્ષેત્રમાં અનેક જાહેર વિકાસકાર્યોની ભેટ જનતાને અર્પણ કરશે. જેમાં વડસર ખાતે આનંદમ પરિવારના CSR ફંડ દ્વારા નિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ મુખ્ય આકર્ષણ રહેશે. આ પ્રોજેક્ટ સ્થાનિક નાગરિકો માટે પાણી સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
તે ઉપરાંત વડસર, જલુંદ અને સરઢવ ગામોમાં ટોયોટા કીલોસ્કર મોટર્સ લિમિટેડના CSR ફંડથી નિર્મિત આધુનિક વાંચનાલયોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વાંચનની સંસ્કૃતિ વિકસે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી સગવડો મળે તે હેતુથી આ વાંચનાલયોની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અરવિંદ ફાઉન્ડેશન દ્વારા ખાત્રજ ગામ ખાતે ગામ તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ પણ શ્રી શાહના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ સોનીપુર ગામ ખાતે ગામ તળાવના વિકાસકાર્ય સાથે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.
પ્રવાસ દરમિયાન શ્રી અમિત શાહ સોનીપુર ગામે ભાજપાના વરિષ્ઠ કાર્યકર્તા અને પૂર્વ સરપંચ શ્રી ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને બપોરનું ભોજન પણ ગ્રહણ કરશે. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને કાર્યકર્તાઓ સાથેના નજીકના સંબંધો અને સંગઠન પ્રત્યેની લાગણી સાથે પણ જોવામાં આવી રહી છે.
બાદમાં ગાંધીનગર સ્થિત ભાજપાના પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંગઠનાત્મક કાર્યક્રમો તેમજ આવનારા રાજકીય આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાંજે શ્રી અમિત શાહ ચાંદખેડા ખાતે CBSE પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરશે. આ કચેરી શરૂ થતાં ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને વહીવટી પ્રક્રિયામાં સરળતા મળશે. ત્યારબાદ સોલા સ્થિત ઉમિયાધામ કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓ માટે આધુનિક રહેણાંક સુવિધા પૂરું પાડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજ વિસ્તારમાં નિર્મિત “ભારત માતા” સ્કલ્પચરનું લોકાર્પણ પણ શ્રી શાહના કાર્યક્રમમાં સામેલ છે. દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતિકરૂપ આ સ્કલ્પચર શહેર માટે નવું આકર્ષણ બનશે તેવી અપેક્ષા છે.
દિવસના અંતે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ તેમજ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. શ્રી અમિત શાહ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તૈયારીઓ અંગે વિગતવાર રજૂઆત કરશે.
૨૮ મેના રોજ તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ શ્રી અમિત શાહ મોડી સાંજે કચ્છ જિલ્લાના ભુજ માટે રવાના થશે, જ્યાં તેઓ આગામી દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે.
રાજકીય નિરીક્ષકોના મતે, શ્રી અમિત શાહનો આ પ્રવાસ માત્ર વિકાસકાર્યો સુધી સીમિત નહીં રહે પરંતુ સંગઠન મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ફૂંકવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સંવાદદાતા : ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ