સાવરકુંડલા (અમરેલી):
સાવરકુંડલા શહેર અને સમગ્ર પંથક માટે આજનો દિવસ વિકાસની નવી ક્ષિતિજો ખોલનારો સાબિત થયો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટથી ગુજરાતમાં ૧૧ નવી ‘સ્માર્ટ GIDC’ સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં સાવરકુંડલાનો સમાવેશ થતાં જ સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓમાં ભારે ઉત્સાહની લહેર દોડી ગઈ છે.
આ આનંદના સમાચાર મળતા જ સાવરકુંડલાના હૃદય સમાન રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે ઉદ્યોગકારો, વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડીજેના તાલે, ઢોલ-નગારાના ગુંજારવ સાથે ગગનચુંબી આતશબાજી કરી ઐતિહાસિક નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. ‘ભારત માતા કી જય’ અને ‘વિકાસવાદ’ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
સાવરકુંડલા–લીલીયાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આ સ્માર્ટ GIDC મંજૂર કરાવવા માટે લાંબા સમયથી સતત અને અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. સ્થાનિક ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગ અને જરૂરિયાતને સમજી તેમણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી અસરકારક રજૂઆતો કરી હતી. તેમના અવિરત ફોલોઅપ અને દૃઢ પ્રયત્નોના પરિણામે આજે સાવરકુંડલાને આધુનિક ઔદ્યોગિક વસાહતની ભેટ મળી છે.
આ પ્રસંગે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનના આગેવાનો કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ કનાડીયા, દીપકભાઈ મથક, વિપુલભાઈ મકવાણા, સંજયભાઈ ડોડીયા સહિતના ઉદ્યોગકારોએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સાવરકુંડલા તેના તોલ-માપના કાંટા (સ્કેલ) અને ખેતીવાડીના ઓજારોના ઉત્પાદન માટે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. ‘સ્માર્ટ GIDC’ના નિર્માણથી સ્થાનિક એકમોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી સુવિધાઓ અને વૈશ્વિક માર્કેટ સુધી પહોંચવાનું મજબૂત પ્લેટફોર્મ મળશે.”
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને સાવરકુંડલાના આર્થિક તથા ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. સમગ્ર વેપારી વર્ગે આ સ્માર્ટ GIDCને સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વપૂર્ણ ‘માઇલસ્ટોન’ તરીકે ગણાવ્યો છે.
બ્યુરો ચીફ: ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

