અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનજી 20, 21 અને 22 ફેબ્રુઆરીના રોજ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને મીડિયા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ તેમજ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળાએ કાર્યક્રમોની વ્યાપક મીડિયા કવરેજ, પ્રેસ કો-ઓર્ડિનેશન અને ડિજિટલ પ્લેટફોર્મ પર અસરકારક પ્રસારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.
આગામી કાર્યક્રમોમાં પક્ષના કાર્યકરો સાથે સંવાદ, સંગઠનાત્મક બેઠકઓ તથા જાહેર કાર્યક્રમોનો સમાવેશ થવાનો હોવાથી મીડિયા પ્રતિનિધિઓ માટે સુવ્યવસ્થિત આયોજન, સમયપત્રક અને પ્રવેશ વ્યવસ્થા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી.
પ્રદેશ સ્તરે આ પ્રવાસને સફળ બનાવવા તમામ વિભાગોને સક્રિય સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. પક્ષના નેતાઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના ગુજરાત આગમનથી કાર્યકરોમાં નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થશે.
રિપોર્ટ : બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

