સાવરકુંડલા/અમરેલી:
સાવરકુંડલાના જાણીતા RTI કાર્યકર દીપેશ ચંદુલાલ જોષી ની પારદર્શિતા માટેની લડતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં
અમરેલીના તત્કાલીન નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.એમ. સોલંકી પર ₹25,000નો વ્યક્તિગત દંડ ફટકારવામાં આવ્યો છે.
RTI કાર્યકર દીપેશ જોષીએ માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 હેઠળ ખાનગી શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, તેમની લાયકાત અને ભરતી દરમિયાન કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તે અંગે માહિતી માંગી હતી.
ખાસ કરીને શેડ્યૂલ “F” મુજબ શિક્ષકોની ભરતી સમયે પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા તેમના પ્રતિનિધિની હાજરી ફરજિયાત છે કે નહીં તે અંગે પુરાવા માંગવામાં આવ્યા હતા.
પરંતુ સંબંધિત અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી નહોતી અને આયોગના વચગાળાના આદેશનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું.
રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન નોંધાયું કે અધિકારીનું વલણ બેદરકાર અને નકારાત્મક રહ્યું છે.
આથી, આયોગે RTI અધિનિયમની કલમ-20(1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અધિકારી સામે કડક કાર્યવાહી કરી અને ₹25,000નો મહત્તમ દંડ ફટકાર્યો.
- દંડની રકમ અધિકારીએ પોતાના અંગત ભંડોળમાંથી ભરવાની રહેશે
- 30 દિવસની અંદર સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે
- સમયસર ચુકવણી ન થાય તો પગાર/ભથ્થામાંથી કપાત કરવામાં આવશે
- 45 દિવસની અંદર સંબંધિત વિભાગ દ્વારા અહેવાલ રજૂ કરવો ફરજિયાત રહેશે
આ ચુકાદો શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાનો મહત્વપૂર્ણ પગલું છે. વાલીઓ દ્વારા બાળકોના શિક્ષણ માટે ભારે ફી ચૂકવવામાં આવે છે, ત્યારે શિક્ષકોની ભરતી અને લાયકાત અંગે માહિતી છુપાવવી ગંભીર બાબત ગણાય છે.
આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે RTI હેઠળ માહિતી ન આપવી કે વિલંબ કરવો સહન નહીં કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
દીપેશ જોષીની આ લડત માત્ર વ્યક્તિગત જીત નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણા છે. આ કેસ RTI કાર્યકરોને વધુ સશક્ત બનાવે છે અને સરકારી તંત્રને પારદર્શિતા જાળવવા માટે મજબૂર કરે છે.
રિપોર્ટ: સતીશ બી. પાંડે
બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ

