અમદાવાદમાં બેફામ રીતે થઈ રહેલા ડીમોલેશનને કારણે ઘરવિહોણા બનેલ લોકોની મુલાકાત બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર સરમુખત્યારની જેમ વર્તી રહી છે.લોકોને એક દિવસ અને કલાકોની નોટિસ આપી ઘર તોડવામાં આવી રહ્યા છે. પથ્થરદિલ વ્યક્તિનું પણ અહીંયાના દૃશ્ય જોવે તો હૃદય દ્રવી ઉઠે તેવું છે.રબારી વસાહતમાં અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી છે. ત્રણેય તરફ રસ્તા હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી? આ વિસ્તારમાં રહેતો એક યુવક લોકો માટે લડતો હોવાથી એનું મકાન રાજકીય કિન્નાખોરી રાખી તોડવામાં આવ્યું છે. મોટાભાગે દલિત, બક્ષીપંચ અને માલધારી સમાજના ઘર તોડવામાં આવ્યા. ઘર તોડતા પહેલા કુદરતી સિદ્ધાંતનું પાલન કરી વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી ન આપી.
મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે જો તેઓ આ પ્રકારના કામ કરતા રહેશે તો દાદા ભગવાન પણ માફ નહીં કરે. ગાયના નામે મત મેળવી જ્યાં ગાયો રહે છે ત્યાં જ ભાજપ તોડફોડ કરે. લોકોનાં દુઃખ જોઈ ભાજપ હવેથી આવા બુલડોઝર ફેરવવાની કામગીરી નહિ કરવાની જાહેરાત કરે તો કોંગ્રેસ એમનું સન્માન કરશે. મુખ્યમંત્રીને વિનંતી કે અહીંયા આવી એમનું દુઃખ જોવે. વ્હાલા ગુજરાતીઓને પણ વિનંતી કે ભાજપના અહંકારને તોડે. કાટમાળ નીચે ભગવાનના ફોટો, ઘરવખરી જોવા મળી રહી છે.હિન્દુ ધર્મના નામે મત લો છો ત્યારે ઘર તોડતા પહેલા ભગવાનના ફોટો તો કાઢવા દેવા હતા. કોંગ્રેસ પક્ષની અસરગ્રસ્ત પરિવારજન પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે, સમગ્ર કોંગ્રેસ પરિવાર મુશ્કેલીની ઘડીમાં તેમની પડખે ઉભો છે.
અમદાવાદના રબારી વસાહતમાં થયેલ ડીમોલેશન સ્થળની વિધાનસભા કૉંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, કાર્યકારી અધ્યક્ષશ્રી ઇન્દ્રવિજયસીંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શ્રી બળદેવ લૂણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રવાસી ન્યુજ અમદાબાદ