ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલકિલ્લા ઉપરથી આપેલાં ભાષણમાં બે વખત કહ્યું કે ભ્રષ્ટાચાર સામે આપણે સાથે મળીને લડવું જોઈએ એમની વાતથી પ્રેરણા લઈને મેં નક્કી કર્યું છે કે દારૂબંધીની આડમાં ગુજરાતમાં ચાલતાં ભ્રષ્ટાચારને રોકવા માટે હું ગુજરાત સરકારને સાથ આપું ગુજરાત સરકાર અને એનાં ગૃહરાજ્યમંત્રી એટલે કે આપશ્રી એમાં મને સહયોગ કરો એવી અપેક્ષા રાખું છું જો આપ મને સહયોગ નહીં કરો તો હું એવું માનીશ કે ગુજરાત સરકારને ભ્રષ્ટાચાર દૂર કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાતમાં રતીભાર પણ રસ નથી
શ્રીમાન હર્ષ સંઘવી સાહેબ દારૂબંધીની આડમાં ગુજરાતમાં ઠેરઠેર ચાલતાં ગેરકાયદે દારુના અડ્ડાઓ અને એની પાછળ દરવર્ષે થતાં લગભગ રૂપિયા પચાસ હજાર કરોડનાં ભ્રષ્ટાચારનાં વિષયમાં દસેક પ્રશ્નો આપની સમક્ષ મૂકું છું આ બાબતે આપ જાહેરમાં કહો તો જાહેરમાં અને આપની ઑફિસમાં કહો તો ઓફિસમાં આપની સાથે ચર્ચા કરવા પણ તૈયાર છું આ વિષયમાં આપને યોગ્ય લાગે એ રીતે ચર્ચા કરવા મને તારીખ, સમય તેમજ સ્થળ બાબતે નીચેનાં નંબર ઉપર જાણકારી આપશોજી
આ રહ્યા મારાં દસ સવાલો…. (૧) ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂનાં અડ્ડાઓ કેમ ચાલે છે? (૨) દારૂનાં અડ્ડાઓ પરથી દર મહિને કરોડો રૂપિયાનાં હપ્તા લેવામાં આવે છે આ કેમ બંધ નથી થતું? (૩) પોતાનાં ઘરે કે ઓફિસમાં બેસીને વિદેશી દારૂ પીતાં ચાર પાંચ જણને પણ પકડી લેવામાં આવે છે પરંતુ દેશી દારૂનાં અડ્ડાઓ ઉપર રોજ સાંજે દોઢસો બસો જણાં ખુલ્લેઆમ પોટલીઓ પીએ છે એમને પકડવામાં કેમ નથી આવતાં? (૪) ઘર કે ઓફિસમાં વિદેશી દારૂ પીતાં પકડાયેલા લોકો દારૂ ક્યાંથી લાવ્યા એ બાબતે તપાસ કેમ નથી થતી તેમજ દારૂ સપ્લાય કરનાર ઉપર કેસ નોંધવામાં કેમ નથી આવતો? (૫) દેશી કે વિદેશી દારુનો જથ્થો ઝડપાય ત્યારે ફક્ત દારૂ વેચનારા ઉપર કેસ નોંધવામાં આવે છે પરંતુ એ દારૂ વેચનારે પકડાયો ત્યાં સુધીમાં કેટલો દારૂ વેચ્યો અને હપ્તા પેટે કેટલી રકમ ક્યાં વ્યક્તિને આપી એ બાબતે તપાસ કેમ નથી થતી? (૬) પોલીસ સ્ટેશનમાં અમૂક લોકો વહીવટદાર (દારૂનાં અડ્ડાઓ ઉપરથી હપ્તા ઉઘરાવી અધિકારી ને પહોંચતાં કરનાર) તરીકે કામ કરે છે આ વહીવટદારોએ કેટલાં વર્ષો સુધી કેટલાં રૂપિયા ઉઘરાવી ક્યાં અધિકારીને આપ્યાં એની તપાસ કેમ નથી થતી? (૭) દારૂનાં અડ્ડાઓ ચલાવતાં લોકોને વિશ્વાસમાં લઈને સરકારી સાક્ષી બનાવીને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં કેમ નથી આવતી? (૮) દારૂ વેચીને બનાવવામાં આવેલી મિલ્કતો જપ્ત કરવામાં આવશે એવો કાયદો બનાવ્યો તો પછી દારૂનાં અડ્ડાઓ પરથી લેવામાં આવેલાં હપ્તા થી ખરીદેલી મિલ્કતો જપ્ત કરવાનો કાયદો કેમ નથી બનાવતા? (૯) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉચ્ચ એજન્સી દ્વારા દારૂ પકડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ અધિકારી ઉપર કરવામાં આવતી શિક્ષાત્મક કાર્યવાહીમાં ભેદભાવ કેમ કરવામાં આવે છે? (૧૦) દારુની પરમિટ કાઢી આપવામાં અને રીન્યુ કરવામાં થતાં ભ્રષ્ટાચાર બાબતે કોઈ કાર્યવાહી કેમ નથી થતી?
આશા રાખું છું કે ઉપરનાં પ્રશ્નો બાબતે ચર્ચા અને ઉકેલ માટે તૈયારી બતાવી આપશ્રી ભ્રષ્ટાચાર દૂર કરવાનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં આહ્વાનમાં અચૂક સૂર પુરાવશો…. પ્રત્યુતરની અપેક્ષા તથા આભાર સહ….. જય ગુજરાત
અતુલ દવે
(સામાજિક કાર્યકર – અમદાવાદ)
1 Comment
Excellent content! The way you explained the topic is impressive. For further details, I recommend this link: EXPLORE FURTHER. What do you all think?