ડાકોર (ખેડા) | ગુજરાત પ્રવાસી ન્યૂઝ | બ્યુરો ચીફ રિપોર્ટ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનો સન્માન સમારોહ અને મહિલા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ ડાકોરના પુનિત હોલ ખાતે યોજાયો હતો.


કાર્યક્રમ પહેલા જગદીશભાઈ વિશ્વકર્માએ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરી સૌના સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.


મહિલા સંમેલનમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા” એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને મા દુર્ગા, મા સરસ્વતી અને મા લક્ષ્મી સ્વરૂપે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ દુષ્ટ શક્તિઓએ માથું ઊંચક્યું છે ત્યારે દેવી શક્તિઓએ તેનો સંહાર કર્યો છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે મહિલાઓમાં અદભૂત કાર્યશક્તિ અને મેનેજમેન્ટનું કૌશલ્ય હોય છે. પરિવારમાં માતા એવું વ્યક્તિત્વ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના સંતાનો માટે જીવન સમર્પિત કરે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને યોગ્ય પોષણ સુધી અનેક યોજનાઓ કાર્યરત છે. દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે, જેના કારણે મહિલા સશક્તિકરણને નવી દિશા મળી છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પ્રત્યે દાખવવામાં આવેલી ગેરશિસ્ત અને પ્રોટોકોલના ભંગની ઘટનાની નિંદા કરતા તેમણે જણાવ્યું કે જે લોકો મહિલાઓનું સન્માન કરતા નથી તેમનું પતન નિશ્ચિત છે.


આર્થિક ક્ષેત્રે મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે અમુલ આજે વિશ્વભરમાં પોતાની ઓળખ ઉભી કરી રહ્યું છે, જ્યારે લિજ્જત પાપડ જેવી સંસ્થાઓ હજારો મહિલાઓને રોજગારી આપી રહી છે. મહિલાઓને આર્થિક રીતે મજબૂતબનાવવા માટે ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવી યોજનાઓ અમલમાં છે.
તેમણે વધુમાં જણાવ્યું કે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણના હાથમાં દેશની તિજોરી હોવું મહિલાઓના ઉત્તમ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા, પ્રદેશ ભાજપા મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ નયનાબેન પટેલ સહિત ભાજપા આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નારીશક્તિ ઉપસ્થિત રહી હતી.
રિપોર્ટ:
બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ – અમદાવાદ

