અખબારી યાદી ૦૪-૦૭-૨૦૨૫
ફાર્મસી કોલેજની મંજૂરી અને નીયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમનેની ઓફીસ અને નિવાસ સ્થાને CBIના દરોડાની વિગત સામે આવી છે. દેશની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોને મંજૂરી અને અભ્યાસ ક્રમ સહીત નીયમન કરતી કાઉન્સિલોના કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલનો સીધો નાતો ભાજપના પદાધિકારી તરીકે હતો અને આજે પણ નિકટતા ધરાવે છે. મોન્ટુ પટેલ પહેલા સ્ટેટ કાઉન્સિલમાં ચેરમેન હતા ત્યાર બાદ નેશનલ કાઉન્સિલમાં ચેરમેન તરીકે ગયા. ભાજપના છેલ્લા 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે છે. નેશનલ મેડિકલ કમીશન, ફાર્મસી કાઉન્સિલ, નર્સિંગ કાઉન્સિલ, આર્કિટેક કાઉન્સિલ હોય કે એ.આઈ.સી.ટી.ઈ., એન.સી.ટી.ઈ. હોય તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવીને શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે. તેનો જીવતો જાગતો વધુ એક નમુનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મોટા ભાગની કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાખો રૂપિયા ઉઘરાવે છે. મંજૂરી માટેના ભાવો અલગ અલગ છે.
ગુજરાતમાં ફાર્મસીની ૧૦૪ કોલેજો છે જેમાંથી માત્ર ૩ સરકારી અને ૩ ગ્રાન્ટેડ કોલેજ છે અને ૯૮ કોલેજો ખાનગી છે જેની મંજૂરી ૪ મહિના કરતા વધુ સમય થી લટકી પડી છે. જેના કારણે ફાર્મસીના એડમિશનોમાં વિલંબ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોલેજોની મંજૂરી અંગે લાંબો સમય સુધી નિર્ણય ન થવાથી ગુજરાતને મોટો અન્યાય થઈ રહ્યો છે. વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો ની માત્ર ૩૮૦ બેઠકો છે જયારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ૧ લાખ થી ૨.૫ લાખ સુધીની માતબર ફી વસુલે છે. સરકારે છેલ્લા ૧૫ વર્ષથી સરકારી કે ગ્રાન્ટેડ એકપણ કોલેજને મંજૂરી આપી નથી. ખાનગી કોલેજોમાં કઇ રીતે વેપાર ચાલે છે ? કઇ રીતે ફીની લૂંટ ચાલે છે ? એ અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ? ભાગની વહેંચણીને લઈને આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેવું અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે. ભાજપ સરકારના એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી જેઓની પહેલા સગવડ હતી પછી કંઈક અગવડ ઉભી થઇ અને એ અગવડતામાં જ કંઇક રંધાયું હોય તે પણ ચર્ચાનો વિષય છે.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શુ ચાલી રહ્યું છે ? જુદા જુદા રાજ્યોની ફાર્મસીની પદવીની ચકાસણીમાં શું ગોઠવણ કરવામાં આવે છે ? કોઈ પણ દવાની દુકાન ચલાવવા માટે ફાર્મસીસ્ટની પદવી જરૂરી હોય છે પણ ગુજરાતમાં અનેક દવાની દુકાનો ભાડાની પદવી ઉપર અથવા તો ખોટી રીતે ધમધમી રહી છે જે અંગે અનેક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત છતાં રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહી છે. આ ગોઠવણ માટે ફ્રુડ અને ડ્રગ્સ વિભાગના હપ્તા રાજની અનેક ફરિયાદો પણ સામે આવી છે. લાંબા સમય સુધી ફાર્મસીસ્ટ એસોસિએશને આંદોલન કર્યું હતું પણ સરકારે કોઈ પગલા ભર્યા નથી.
કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં લૂંટનો કાળો કારોબાર ચાલ્યો એમાં કેટલી કોલેજોને નિયમ વિરુધ મંજૂરી આપવામાં આવી ? એક જ કેમ્પસમાં બે કે ત્રણ ફાર્મસી કોલેજને મંજૂરી આપવા પાછળ કઈ કઈ ગોઠવણો થઇ ? કેટલી લેતી દેતી થઇ ? આ કોલેજોની માન્યતા આપવામાં શુ શુ ખેલ થયો હતો ? તેની તપાસ કરવામાં આવે. માત્ર ફાર્મસી નહીં પણ મેડીકલ, નર્સિંગ, ડેન્ટલ, આર્કીટેક્ચર સહીત જ્યાં જ્યાં કાઉન્સિલ આવે ત્યાં વારંવાર આવેલી વિવિધ ફરિયાદો અંગે પણ તટસ્થ તપાસ કરવામાં આવે.
( ડૉ. મનિષ એમ. દોશી )
મીડિયા કન્વીનર અને પ્રવક્તા