ગાંધીનગર:
વડાપ્રધાન **નરેન્દ્રભાઈ મોદી**એ આજે ગાંધીનગર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ–૨ અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પરથી મેટ્રો રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગરના નાગરિકો માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક રહી, કારણ કે શહેરના આધુનિક અને પર્યાવરણમૈત્રી જાહેર પરિવહન માધ્યમમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત મહાત્મા મંદિર, સેક્ટર–૨૪, સેક્ટર–૧૬, જૂનું સચિવાલય, અક્ષરધામ, સચિવાલય અને સેક્ટર–૧૦ એમ કુલ ૭ મેટ્રો રેલ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે ૭.૮ કિમી લંબાઈનો મેટ્રો માર્ગ હવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે, જેનાથી શહેરના મુખ્ય વહીવટી, ધાર્મિક અને રહેણાંક વિસ્તારો એકબીજા સાથે સરળતાથી જોડાયા છે.
વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે મેટ્રો પ્રોજેક્ટ માત્ર મુસાફરીની સુવિધા નહીં પરંતુ શહેરી વિકાસ, સમય બચત અને પ્રદૂષણ ઘટાડાનું શક્તિશાળી સાધન છે. મેટ્રો શરૂ થતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુગમ પરિવહનની સુવિધા મળશે.
ગાંધીનગરના નાગરિકોમાં મેટ્રો ફેઝ–૨ને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિકાસમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે અને ગાંધીનગરને સ્માર્ટ અને આધુનિક શહેર તરીકે વધુ મજબૂત બનાવશે.
સબ એડિટર: પરેશ રાવલ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
www.gujaratpravasi.com

