અખબારી યાદી
તા. ૪–૯–૨૦૨૪
ભારે વરસાદને કારણે કચ્છમાં થયેલ પારાવાર નુકસાની અને ઉદભવેલ પરિસ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત દરમ્યાન અનેક અસરગ્રસ્ત
પરિવારો ખાસ કરીને ખેડૂતો, નાના વેપારીઓ, સ્થાનિક નાગરિકોની વ્યથા સાંભળ્યા બાદ ભૂજ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કચ્છમાં થયેલ તારાજી માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર, તંત્રની નિષ્ક્રિયતા જવાબદાર છે. ઠેરઠેર કચરો, કચરાના નિકાલમાં નિષ્કાળજી જેના લીધે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા. આ માનવસર્જિત આપતી છે. આઝાદ ચોકમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા. નાના વેપારીઓને મોટા પાયે નુકસાની થઈ છે. લાકડા બજારમાં મોટી નુકસાની થઈ છે. રાજા શાહી વખતના નાળાની સમયસર નગરપાલિકાએ સાફ-સફાઈ કરી હોત તો નુકસાની આ અટકાવી શકાત. સફાઈ વેરો મોટા પાયે ઊઘરાવાય છે પણ ઠેર ઠેર ગંદકીને લીધે રોગચાળાનો ભય છે. પાણીના નિકાલ માટે તળાવથી ઓગન સુધી નાળું મોટું કરવું જરૂરી છે. નલીયાથી લાલા જેવો સુધીના રસ્તા પર રોડ બનાવાયો પણ, પાણીના નિકાલના નાળા ના બનાવવાથી રોડ તોડી પાણીનો નિકાલ કરવો પડ્યો આડેધડ નિયમ વિરૂધ્ધ પવનચક્કીઓ માટેના જવા-આવવાના-રસ્તાઓ બનાવીને પાણીને આડસ બનાવી દીધી છે. કંપનીઓએ મનફાવે તે રીતે રસ્તાઓ ઉપર આડસ બનાવી દીધેલ હોવાથી પાણીનો નિકાલ ન થવાથી પણ સ્થાનિક ગ્રામજનોને પારાવાર નુકસાન થયું છે. અબડાસાના ટીડીઓ એમ જણાવે છે કે, સીમેન્ટ ના મકાનમાં રહેતા હશે જેઓને નુકસાન થયુ હશે તેઓને જ સહાય મળશે. તો પછી કાચા મકાનમાં રહેતા પરિવારોને થયેલ નુકસાન અંગે સહાય કેમ નહી ? સરકારે ભેદભાવ વગર અસરગ્રસ્તોને સહાય કરવી જોઈએ. જેમને પારાવાર નુકશાન થયુ છે તેઓને સરકાર સહાય માટે ઉદાર મન રાખીને સહાય ચુકવે તો જ ખેડૂતો અને ખેતીને બચાવી શકાશે. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાઓમાં મોટા પાયે પશુધનના મોત થયા છે, આજદિન સુધી સર્વે અંગે તંત્ર કોઈ જવાબ આપતુ નથી. તંત્ર સંવેદનશીલ બને તે જરૂરી છે.
કચ્છ જીલ્લાના બંદરીય વિસ્તાર માંડવી શહેર તથા મુંદ્રાના બાબાવાડી, રામેશ્વરનગર, ભીડ બજાર, આઝાદ ચોક, સલાયા તથા શહેર વિસ્તારોના અસરગ્રસ્ત પરિવારો, વેપારીઓએ સમસ્યાની રજુઆત કરી હતી જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અતિ ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી, લાઈટ, ગટર, રસ્તાઓ શ્રમજીવી પરિવારોના રહેઠાણ તમામને અતિભારે નુકશાન થયેલ છે. જેના માટે સરકાર દ્વારા પુનઃવર્સનની કામગીરી કરવામાં આવે. વેપારી વર્ગના ઘરવખરીના કાચા માલ-સામાન તથા વેપારીઓની દુકાનોમાં પણ મોટાપાયે પાણી ભરતા અતિ નુકશાન થયેલ છે. જેના લીધે નાના વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે હજુ સુધી યોગ્ય કરવામાં આવ્યું નથી. આજદિન સુધી ઠેરઠેર પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોએ સમસ્યાઓ વેઠવી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ હજુ યથાવત નથી થયો, રસ્તાઓ-પીવાના પાણીની સમસ્યા, રોડ લાઈટની સમસ્યાઓથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે., નગરપાલિકાની પ્રિ. મોન્સુનની કામગીરી તદ્દન નિષ્ફળ નિવડી છે. સાફ-સફાઈ અને પાણી નીકાલની કામગીરી તાકીદે યોગ્ય કરવામાં નહિ આવે તો, કચ્છ માંડવી વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફાટી નીકળશે.કચ્છ માંડવી વિસ્તારમાં ઉભા પાકોનું જબરદસ્ત ધોવાણ થયેલ છે, દાડમ, કેળા, કપાસ, તલ, એરાડા, ધઉ વગેરે જેવા પાકોમાં નુકશાન થયેલ છે. આજદિન સુધી સરકારશ્રી દ્વારા કોઈ ખેડુતોના હિતમાં વિશેષ રાહત પેકેજ અથવા કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. સરકાર દ્વારા કોઈ પણ સર્વે કે પાક ધોવાણની વિગતો વિશે પણ સરકારે દરકાર લીધેલ નથી સ્થાનિક લોકો તથા સામાન્ય વેપારી વર્ગ ખેડુતોની વ્યથા સાંભળ્યા બાદ અસરગ્રસ્તોની તમામ સમસ્યાઓ અંગે ન્યાય માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિસ્તુત રજુઆત કરવામાં આવશે.કચ્છ જીલ્લાના બે દિવસ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સમયે કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાશ્રી વી.કે. હુંબલ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો, નગર સેવકો તેમજ ગામના સરપંચશ્રીઓ અને વિવિધ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી ભારે નુકસાનીનો ચિત્તાર આપ્યો હતો.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા