મોરબી જિલ્લાના આમરણ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં Harsh Sanghavi એ જોરદાર સંબોધન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્વ. મગનભાઈ કાસુન્દ્રાને શ્રદ્ધાંજલિ અર્પી તેમણે સભાને સંબોધતા જણાવ્યું કે ભારે ગરમી છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો ભાજપા પ્રત્યેના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ફક્ત મત માંગવા માટે નથી આવ્યા, પરંતુ વર્ષોથી ભાજપા અને જનતા વચ્ચે રહેલા સ્નેહ અને વિશ્વાસના સંબંધને વધુ મજબૂત કરવા આવ્યા છે. “ગુજરાતની જનતા અને ભાજપા માત્ર રાજકીય સંબંધ નહીં, પરંતુ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે,” એમ તેમણે ઉમેર્યું.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે જૂના સમયમાં માતા-બહેનોને પાણી માટે દૂર જવું પડતું હતું અને સાંજ પછી બહાર નીકળવું મુશ્કેલ હતું. જ્યારે આજના સમયમાં ગુજરાતમાં મહિલાઓ નિર્ભય રીતે રાત્રે પણ બહાર જઈ શકે છે. “જો કોઈ અસામાજિક તત્વો મહિલાઓને હેરાન કરે, તો ગુજરાત પોલીસ તેમને કડક સજા આપે છે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં કહ્યું કે ભાજપા સરકાર ગુનાહિત તત્વોને શોધી-શોધીને જેલમાં મોકલી કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવી રહી છે અને આ દિશામાં સરકાર કટિબદ્ધ છે.
વડાપ્રધાન Narendra Modi ના નેતૃત્વની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતને વિકાસના માર્ગે આગળ ધપાવવાનો શ્રેય મોદીજીને જાય છે. આજે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળતા થયા છે. ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબોને ઘર અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાખો પરિવારોને મફત સારવાર મળી રહી છે. 
કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્યો તથા ભાજપા સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
“આમરણમાં સંઘવીની ગર્જના: ભાજપા છે જનતાનો પરિવાર!
રિપોર્ટ: બ્યુરો, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

