- વૈષ્ણોદેવી મંદિર નજીક ભાગદોડમાં રાજપીપળાનો જોષી પરિવાર ફસાયો હતો
- ભાગદોડમાં વિખૂટો પડી ગયેલો પરિવાર એક કલાક બાદ મળ્યો, તમામ હેમખેમ
જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર નજીક મોડી રાત્રે જવા-આવવાની બે લાઈનો ભેગી થઈ જતાં નાસભાગ મચી હતી. નાસભાગમાં નીચે પડી ગયા એ દબાયા, કચડાયા અને જેને કારણે 12 શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા. આ ઘટનામાં રાજપીપળાનો જોષી પરિવાર પણ અટવાયો હતો. એમાં પરિવારના 6 સભ્ય પણ ફસાયા હતા. જોકે સદનસીબે તમામ પરિવારના સભ્યોનો હેમખેમ બચાવ થયો હતો. જોષી પરિવારના મનાલીબેને જણાવ્યું હતું કે અમારી નજરો આગળ ભગદોડમાં મૃત્યુ પામેલા 12થી વધુ લોકોને ઊંચકી લઈ જતા જોયા, હજુ દૃશ્યો મગજમાંથી જતાં નથી.
મંદિરથી એક કિમી દૂર નાસભાગથી લોકો કચડાયા
રાજપીપળા નવાપરામાં રહેતા સુભાષચંદ્ર દલસુખરામ જોષી, તેમનાં પત્ની હેમલતાબેન જોષી, પુત્ર પાર્થ જોષી, પુત્રવધૂ મનાલી અને પૌત્રો શૌર્ય અને ઐશ્રી આમ 6 સભ્ય ગત 23 તારીખે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયાં હતાં. જમ્મુ-કાશ્મીર ફરીને રિટર્નમાં વૈષ્ણોદેવીનાં દર્શને જતાં હતાં. રાત્રિના 9 વાગે મંદિર તરફ જવાનું શરૂ કર્યું, એક રસ્તો દર્શન માટે જતો હતો, જ્યારે સામેથી બીજી લાઈન દર્શન કરી પરત ફરતી હતી. મંદિરથી એક કિમી દૂર રાત્રિના 2 વાગે જવા-આવવાની લાઈનો ભેગી થઈ અને દોડધામ થઈ, જેમાં અફરાતફરી મચી અને લોકો પડ્યા-કચડાયા. લગભગ 12 જેટલા ભક્તોનાં મોત થયાં, જ્યારે કેટલાય ઘાયલ થયા. ત્યારે રાજપીપળાનો આ જોષી પરિવાર પણ ભાગદોડમાં ધક્કા-મુક્કીમાં છૂટોછવાયો થઈ ગયો હતો.

વતનમાં પરિવારના સભ્યો ચિંતિત હતા
ભાગદોડ શાંત થઈ ત્યારે એક જગ્યાએથી એનાઉન્સ કરીને આ જોષી પરિવાર ભેગો થયો ત્યારે જીવમાં જીવ આવ્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા રાજપીપળામાં તેમના પરિવારને જાણ થતાં તેમનામાં પણ ચિંતા થતી હતી. જોકે હેમખેમ હોવાની માહિતી મળતાં પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બાદ પોતે જ્યાં રોકાયા હતા એ હોટલમાં પરત ફર્યા હતા.

લોકોની ચિચિયારી હજુ પણ સંભળાયા કરે છે
અમારી નજરો સામે ભગદોડમાં મૃત્યુ પામેલા 12થી વધુ લોકોને ઊચકી લઈ જતા જોયાનાં હજુ દૃશ્યો મગજમાંથી જતાં નથી, હાલ અમે હોટેલ પર રૂમમાં છે, પણ ઘટનામાં લોકોની ચિચિયારી સંભળાયા કરે છે. અમારો પરિવાર છૂટો પડી જતાં અમે પણ બહુ ગભરાઈ ગયા હતા.
– મનાલી જોષી, રાજપીપળા.

એક કલાક બાદ જોષી પરિવાર ભેગો થયો
ભાગદોડમાં અમારા પગ પાસે બે-ત્રણ નાના છોકરાઓ આવીને પડ્યા તો મેં તરત જ ઊંચકી લીધા અને ઉપરની પાળી પર બેસાડી દીધા. મારી સાથે મારી દીકરી અને ભત્રીજો હતો, તેને બંનેને પકડી રાખ્યા, એવી રીતે બચીને રહ્યા, જ્યારે બધું શાંત થયું ત્યારે એનાઉન્સ કરાવ્યું ત્યારે એક કલાક પછી અમારો આખો પરિવાર ભેગો થયો ત્યારે હાશકારો થયો.
– પાર્થ જોષી, રાજપીપળા.
1 Comment
Great read with a touch of humor! For further details, check out: READ MORE. What are your thoughts?