વતનની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર શહીદ મેજર વીર ઋષિકેશ રામાણી તેમજ દેશનાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને દેશ કાયમ યાદ રાખશે : શ્રી મગનભાઈ પટેલ
રાષ્ટ્રીય સમૂહગાન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી શ્રી મગનભાઈ પટેલે પદ્મશ્રી સ્વ.શ્રી ડોક્ટર એચ.એલ.ત્રિવેદી, સ્વામી વિવેકાનંદ અને ઉદ્યોગપતિ મેઘજીભાઈ પેથરાજના પ્રેરણાદાયી દ્રષ્ટાંતો આપ્યા.
અમદાવાદની ભારત વિકાસ પરિષદ,મહાવીરનગર શાખા દ્વારા તાજેતરમાં નિકોલ ખાતે આવેલ શહીદ વીર મંગલપાંડે ઓડીટોરીયમ હોલ ખાતે દેશની રક્ષા માટે પોતાનાં પ્રાણોની આહુતિ આપનાર દેશનાં શહીદ વીર જવાનોને શ્રધ્ધાંજલી આપવાનાં ભાગરૂપે દેશ ભક્તિના ગીતોનો કાર્યક્ર્મ “રાષ્ટ્રીય સમૂહ ગાન” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની સરકાર માન્ય 9 જેટલી ખાનગી શાળાનાં ધોરણ 5 થી 12ના 124 બાળકોએ ભાગ લઇ સ્ટેજ ઉપર સુંદર રીતે સમૂહ રાષ્ટ્રગાન રજુ કર્યા હતા.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તેમજ મુખ્યદાતા તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા.વિજેતા થયેલ બાળકોની ટીમને તેમનાં વરદ હસ્તે ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી મગનભાઈ પટેલે પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશમાં ડોક્ટર બનવું હોય તો પદ્મ શ્રી સ્વ.ડો.એચ.એલ.ત્રિવેદી સાહેબ જેવા બનજો કે જેઓ કેનેડામાં પ્રેક્ટિસ કરતા હતા ત્યારે કેનેડામાં પ્રથમ ચાલીસી ટેક્સ પેયરમાં તેમનો સમાવેશ થતો હતો. ગુજરાતના કિડનીના દર્દીઓ માટે કેનેડાથી પોતાની અખૂટ સમૃધ્ધિ અને સર્વસ્વ છોડી પદ્મશ્રી સ્વ.ડો.એચ.એલ.ત્રિવેદી જયારે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે શુન્યમાંથી સર્જન કરી અમદાવાદના અસારવા ખાતે સિવિલ હોસ્પીટલમાં વિશ્વકક્ષાએ કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના એકલા હાથે કરી. ડો.એચ.એલ.ત્રિવેદીએ કિડની ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરીને માનવસમાજની અદ્વિતીય અને ઉમદા સેવા કરી જે ગર્વ લેવા જેવી વાત છે અને પોતે આ સંસ્થાના એક રૂમ, રસોડામાં રહીને કરકસર કરીને આ સંસ્થાના પોતાનાં સુપરવીઝન અને પોતાનાં હાથે તેમણે 5000થી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને 500 થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરીને દેશ અને દુનિયામાં “વિશ્વ વિક્રમ” સ્થાપ્યો અને આ ઇન્સ્ટિટ્યૂટ ડોનર દ્વારા તેમજ પોતાનાં ફંડમાંથી લગભગ આશરે 800 કરોડ જેટલા ફંડનો પ્રોજેક્ટ તૈયાર કરી બેંકોમાં આશરે 300 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ થકી આ પ્રોજેક્ટનો વહીવટ કર્યો જેમાં પત્ની સુનીતાબેન ત્રિવેદીએ પણ ખભે ખભા મિલાવીને સાથ આપ્યો.
શ્રી મગનભાઈ પટેલે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપી વધુમાં જણાવ્યું હતું કે સાધુ કે સંત બનવું હોય તો સ્વામી વિવેકાનંદ જેવા બનજો કે જેઓએ ભારતીય સંસ્કૃતિ, ધર્મને વિશ્વ ફલક પર મુક્યો અને સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મની સાચી વ્યાખ્યા સમજાવી હતી તેમજ શ્રી મગનભાઈ પટેલે સ્વામી
વિવેકાનંદજીનો એક પ્રસંગ યાદ કરીને જણાવ્યું કે સ્વામીજી જયારે શિકાગોમાં સર્વ ધર્મસભા યોજાઈ ત્યારે હિન્દુસ્તાનમાંથી સ્વામી વિવેકાનંદજીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે સંત તરીકે સ્વામીજી ભારતીય સંસ્કુતિના વેશમાં હાજરી આપવા ગયા હતા.તેમને સંતના પોશાકમાં જોઈ તેમની ઉપર હિન્દૂ ધર્મ ઉપર ટીકાઓ કરવામાં આવી અને સ્વામીજીને સભામાં સૌથી છેલ્લે સંબોધન કરવાનું કહેવામાં આવ્યું અને જણાવ્યું કે સ્વામીજી, તમારી સામે વિશ્વના ત્રણ ધર્મગ્રંથો પડ્યા છે જેમાં ગીતા,કુરાન અને બાઇબલ હતા અને તેમાં ભગવદ ગીતાનો ગ્રંથ સૌથી નીચે હતો,ત્યારે સ્વામીજીએ એકપણ ક્ષણ બગાડ્યા વગર જવાબ આપ્યો કે મારો ધર્મગ્રંથ આખી દુનિયાના ધર્મનો ભાર ઉચકવા સક્ષમ છે અને ધર્મના પાયાની ભૂમિકા છે.વધુમાં સ્વામીજીને ઘણાં લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને 16000 પટરાણી વિશે કહેવામાં આવ્યું અને નેગેટિવ પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે સ્વામીજી ધર્મસભામાંથી બહાર નીકળી ગયા ત્યારે તેમની સાથે ઘણાં લોકો સ્વામીજીનાં ભાષાણથી મોહિત થઈને સભાગૃહમાંથી સ્વામીજી સાથે બહાર નીકળ્યા,ત્યારે સ્વામીજીએ કહ્યું કે હું ભગવાન શ્રી કૃષ્ણનો એક નાનામાં નાનો ભક્ત છું જો મારામાં આટલું આકર્ષણ હોય તો મારા ભગવાનમાં કેટલું હશે ? ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોને સમજાયું કે ભારત દેશની મહિલાઓ ભગવાનને પતિ તરીકે અને ધણી તરીકે પૂજે છે જે નિખાલસ ભક્તિનો પ્રેમ સૂચવે છે અને આજે પણ હિન્દુસ્તાનની બધી સ્ત્રીઓ ગોપી કે પટરાણી તરીકે ઓળખાવે છે.
શ્રી મગનભાઈ પટેલે સફળ ઉદ્યોગપતિ બનવા માટે જણાવ્યું કે ઉદ્યોગપતિ બનવું હોય તો સૌરાષ્ટ્રના શ્રી મેઘજીભાઈ પેથરાજ જેવા બનજો. શાહ મેઘજીભાઈ પેથરાજ કે જેઓ જામનગરના વતની અને આફ્રિકામાં ઉદ્યોગ-વેપાર કરતા હતા અને તેઓએ વર્ષ 1960થી ડોનેશનની શરૂઆત કરી ગુજરાતમાં આશરે 2000 જેટલી લાયબ્રેરીનું નિર્માણ કર્યું જેને “કસ્તુરબા વાંચનાલય” નામ આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર જીલ્લામાં આશરે 6 જેટલી આર્ટ્સ અને કોમર્સ જેવી કોલેજો બનાવી અને જામનગરમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજ બનાવી જે ગુજરાતની પાંચમી મેડિકલ કોલેજ હતી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ,અસારવા ખાતે એમ.પી.શાહ કેન્સર હોસ્પીટલ બનાવી આ સંસ્થામાં મૂખ્યદાતા તરીકે સહયોગ અને માર્ગદર્શન આપી ઉભી કરી હતી, આમ ઉદ્યોગપતિ બનવું હોય તો શ્રી મેઘજીભાઈ પેથરાજ જેવા બનજો.શ્રી મગનભાઈ પટેલે ઉપરોક્ત પ્રોત્સાહક ઉદાહરણો આપી ઉપસ્થિત જનમેદનીનું તાળીઓનાં ગડગડાટથી અભિવાદન ઝીલ્યું હતું.
શ્રી મગનભાઈ પટેલે અંતમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા અને તેમનું ઉદાહરણ આપતા કહ્યું કે જીવનમાં રાજકીય વ્યક્તિ બનવું હોય તો સરદાર સાહેબ જેવા બનો. એક દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની નજર તેમના ઘરના ટેબલ પર પડેલા એક મેગેઝીન પર પડી.તેમણે પોતાના પુત્ર શ્રી ડાહ્યાભાઈ પટેલને બોલાવીને પૂછ્યું કે આ મેગેઝીનમાં આટલી બધી જાહેરાતો કેમ છે.તેમના પુત્ર ડાહ્યાભાઈએ કહ્યું, “બાપુજી તમે દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી જેવા ઉચ્ચ હોદ્દા પર હોવાના કારણે લોકો આટલી બધી જાહેરાતો આપી રહ્યા છે, ત્યારે
સરદાર સાહેબે તેમના પુત્ર ડાહ્યાભાઈને ઠપકો આપતા કહ્યું હતું કે, જો લોકો મને મારા પદ પર બેઠેલા જોઈને આ જાહેરાતો આપતા હોય તો આ મેગેઝીન તાત્કાલિક બંધ કરો.” ત્યારબાદ સરદાર સાહેબે તેમની પુત્રી મણિબેનને બોલાવીને કહ્યું કે જો ડાહ્યાભાઈને આ મેગેઝીન ચલાવવું હોય તો અન્ય જગ્યાએ જઈને આ કામ કરે.” એવું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું પારદર્શક રાજકીય વ્યક્તિત્વ હતું.
શ્રી મગનભાઈ પટેલે પોતાનાં વક્તવ્યના અંતમાં દિકરા-દિકરીઓના ઉછેર બાબતે ભાર મુકતા જણાવ્યું હતું કે દિકરા-દિકરીઓને સમયાંતરે સમાન શિક્ષણ આપી તેઓનો સામાજીક વિકાસ કરવો ખુબ જરૂરી છે નહીંતર દિકરા-દિકરીઓના ગૃહસ્થ જીવનમાં મોટી અસમાનતા ઉભી થશે.
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે સમાજજીવન અને રાષ્ટ્રજીવનની ચિંતા કરનારા વિચારશીલ,રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત અને ઉત્સાહી મિત્રોએ ભેગા મળીને 1963માં ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાની સ્થાપના દિલ્હી ખાતે કરી.આ સંસ્થાનો આત્મા ભારતીય સંસ્કૃતિ એટલે કે ભારતીય વિચારધારા અને ભારતીય જીવન પધ્ધતિ છે.ભારત વિકાસ પરિષદે સંપર્ક, સહયોગ,સંસ્કાર, સેવા અને સમર્પણ એવા પાંચ ધ્યેય પૂર્ણ પ્રેરક તત્વોને પોતાનું અવિભાજ્ય અંગ બનાવ્યું છે.આ સંસ્થા ભારતભરમાં તથા પરદેશમાં 1200 જેટલી શાખાઓમાં 75000 કરતા વધારે સભ્ય પરિવાર તથા ગુજરાતમાં 32 શાખાઓમાં આશરે 3500 જેટલા સભ્ય પરિવારના સહકાર અને પરિશ્રમથી વિવિધ પ્રકારનાં કાર્યક્રમો, પ્રકલ્પો અને સેવાકીય પ્રવૃતિઓ ચલાવામાં આવે છે જેમાં સંસ્થાની મુખ્ય પ્રવૃતિઓ જેવી કે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, વિકલાંગ પુનર્વાસ યોજના,વનવાસી કલ્યાણ યોજના, પર્યાવરણ, કુદરતી આપત્તિઓ સમયે રાહત કાર્ય,યુવાનો માટે ટ્રેકિંગ, ટેલેન્ટ ઈવનીંગ જેવી રમત-ગમત સ્પર્ધાઓ, વિવિધ ઉત્સવોની ઉજવણી સમયે ઘરડા ઘર કે અપંગ મંડળોમાં જઈ રાસ-ગરબા, દિપાવલી સ્નેહ મિલન સમયે જરૂરિયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ જેવા વિવિધ સમાજ ઉપયોગી કાર્યો સતત કરવામાં આવે છે.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ લીટલ સ્ટાર ઈંગ્લીશ સ્કૂલ, સરસ્વતી કુમાર શાળા નં-1, શાલીન પ્રાથમિક શાળા, આધારશીલા સ્કૂલ, ઉદ્દગમ વિદ્યાલય,દિવ્ય જ્યોત સ્કૂલ,બેસ્ટ ઈંગ્લીશ સ્કૂલ, વી.આઈ.પી ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ સંસ્કાર વિદ્યાલય એમ કુલ 9 શાળાનાં 124 વિદ્યાર્થીઓએ આ સમૂહગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પ્રાથમિક વિભાગની 7 ટિમ, માધ્યમિક વિભાગની 5 ટિમ અને સંસ્કૃત વિભાગની 4 ટિમ એમ કુલ 16 ટીમો બનાવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દેશ માટે પોતાનાં પ્રાણની આહુતિ આપનાર શહીદ વીર જવાનો તેમજ દેશને આઝાદી અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાનુભાવોને યાદ કરી તેમને અનુરૂપ રાષ્ટ્રગીત રજુ કરવામાં આવ્યા હતા જેનો ક્રમ નીચે મુજબ રહ્યો હતો.
1) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરીને પ્રાથમિક વિભાગની ટિમ દ્વારા “સુરજ બદલે ચંદા બદલે, બદલે ચાહે ધ્રુવતારા પર ભારત કી આન ન બદલે યહ સંકલ્પ હમારા” ગીત ધો.5ની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
2) અખંડ ભારતનાં શિલ્પી,ત્વરિત નિર્ણય શક્તિ ધરાવતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં ધો.6ની બાળાઓ દ્વારા ” ધરતી કી શાન તું ભારત કી સંતાન, તેરી મુઠ્ઠી મેં બંધ તુફાન હે , મનુષ્ય તું બડા મહાન હે” રજુ કરવામાં આવ્યું હતું.
3) “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સતત પુરુષાર્થ કરતા રહો” જેવો અદભુત મંત્ર આપનાર સ્વામી વિવેકાનંદની યાદમાં “સબ સે ઉંચી વિજય પતાકા લિયે હિમાલય ખડા રહેગા, માનવતા કે માનબિંદુ યહ ભારત સબસે બડા રહેગા” ગીત ધો.7ની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
4) આઝાદીની લડતમાં પોતાની આહુતિ આપનાર વિરાંગના પ્રિતીલતાની યાદમાં “ચલો જવાનો, બઢો જવાનો, માં ને હમે પુકારા હૈ, દુશમનને લલકારા હૈ” ગીત ધો.8ની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
5) “તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા” જેવું ક્રાંતિકારી સૂત્ર આપી દેશને આઝાદી અપાવનાર દિગ્ગ્જ નેતા શ્રી સુભાષચંદ્ર બોઝને યાદ કરી ધો.9ની બાળાઓ દ્વારા ” ધરતી કી શાન તું , ભારત કી સંતાન” રજુ કરવામાં આવ્યું હતું.
6) ઓગસ્ટ 10,1942ના રોજ આઝાદીની લડાઈમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ વીર વિનોદ કિનારીવાલાની યાદમાં ” સબ સે ઊંચી વિજય પતાકા” ગીત ધો.10ની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
7) ” સ્વરાજ મેરા જન્મ સિધ્ધ અધિકાર હૈ, મૈં ઉસે પાકર રહૂંગા” જેવું ક્રાંતિકારી સૂત્ર આપી જયઘોષ કરનાર લોકમાન્ય તિલક કે જેમણે આઝાદીનો દ્રઢ નિશ્ચય કર્યો એમની યાદમાં “હમ બંગાલી,હમ પંજાબી, ગુજરાતી, મદ્રાસી હૈ, લેકિન સબસે પહેલે હમ કેવલ ભારતવાસી હૈ” ગીત ધો.11ની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
8) સન 1965માં પાકિસ્તાનને કાશ્મીર યુધ્ધમાં હરાવનાર નાના કદના ઉંચા નેતા એવા શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની યાદમાં “રાષ્ટ્ર કી જય ચેતના કે ગાન વંદે માતરમ” ગીત ધો.12ની બાળાઓ દ્વારા ખુબ સુંદર રીતે રજુ કરવામાં આવ્યું હતું.
9) સન 1929માં અંગ્રેજોના વિરોધમાં એસેમ્બલીમાં બૉમ્બ વિસ્ફોટ કરી ઇન્કલાબ ઝિંદાબાદનો નારો આપી ધરપકડ વહોરનાર અને 23 માર્ચ,1931ના રોજ ફાંસીનાં માંચડે ચઢનાર શહીદ ભગત સિંહને યાદ કરી “દેવી દેહીના બાલં” ગીત ધો.5ની બાળાઓએ શ્રધ્ધાંજલી રૂપે રજુ કરી સૌને ભાવ વિભોર કરી દીધા હતા.
10) ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડેને યાદ કરીને ધો.6ની બાળાઓએ “રાષ્ટ્ર કી જય ચેતના કે ગાન વંદે માતરમ” ગીત રજુ કર્યું હતું.
આ સિવાય આઝાદ હિન્દની ચળવળમાં મુખ્ય ભૂમિકાઓ ભજવનાર એવા ક્રાંતિવીર ખુદીરામ બોઝ,વિરાંગના દુર્ગાભાભી, મેજર ઋષિકેશ રામાણી,મેજર સોમનાથ શર્મા, બિપીનચંદ્ર પાલ,વીર સાવરકર જેવા વીરોને પણ વિવિધ રાષ્ટ્રગાન દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાના અંતે વિજેતા થયેલ બાળાઓની ટિમને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ તેમજ ટ્રોફી એનાયત કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં શહીદ વીર મેજર ઋષિકેશભાઈ રામાણીના પિતા શ્રી વલ્લભભાઈ રામાણી,શહીદ વીર ગોપાલસિંહ ભદોરિયાના પિતા શ્રી મુનીમસિંહ ભદોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં AEW કેબલ્સ એન્ડ પાઇપ પ્રા.લિમિટેડના શ્રી જશવંતભાઈ પટેલ,ગુજરાત મધ્યપ્રાંત સમૂહગાન સ્પર્ધાના સંયોજક શ્રી કમલેશભાઈ કંસારા, અમદાવાદ શહેર ભા.જ.પાના મંત્રી શ્રી ઇલેશભાઇ પાનસુરીયા,ગુજરાત મધ્યપ્રાંતના પદાધિકારી શ્રી શિવલાલભાઈ પંચાસરા,સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી અશોકભાઈ કુલકર્ણી,ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ડોબરીયા,ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી શાંતિલાલ રૈયાણી, મંત્રી વિનોદભાઈ ડોબરીયા, સંયોજક શ્રી મનસુખભાઇ કાછડીયા,સ્પર્ધાનાં જજ (નિર્ણાયક) શ્રી જયભાઈ પરીખ તેમજ શ્રી જીગ્નેશભાઈ તપોધન વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હિંમતભાઈ કેવડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમજ બાપુનગર ખાતે આવેલ “શહીદ વીર મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ” આવેલ છે જે સૈનિક બનવા ઇચ્છુક બાળકોને બાલાછડી ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં એડમિશન મળી રહે તે હેતુથી મેજર ઋષિકેશ રામાણીના પિતા શ્રી વલ્લભભાઈ રામાણી આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે જેમાં શ્રી મગનભાઈ પટેલ દ્વારા આ ટ્રસ્ટ માટે રૂ.51,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.