નેશનલ મેડિકલ કમિશન દ્વારા જેનરીક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવા માટેનો અવિચારી પરિપત્ર
• ડોક્ટર પોતાના દર્દીની પરિસ્થિતિને જોઈને પણ ચોક્કસ દવાનું સૂચન કરે તો તેના પર દંડનાત્મક કાર્યવાહી સંપૂર્ણ અયોગ્ય.
• ભારત સરકાર જેનરીક દવાઓની ગુણવત્તા માટે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરતી નથી.
• બ્રાન્ડેડ દવાઓની કિંમત જો ઊંચી હોય તો તેને કંટ્રોલમાં રાખવાની જવાબદારી સરકારની છે.
• જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને પોતાના અનુભવે યોગ્ય દવા લખવાનો ડોક્ટરનો અધિકાર સંપૂર્ણપણે અબાધિત રહેવો જોઈએ.
• નેશનલ મેડિકલ કમિશનનો સંપૂર્ણપણે અવિચારી પરિપત્ર તાત્કાલિક રદ્દ થવો જોઈએ.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે જેનરીક દવાઓ જ લખવાની રહેશે. જો ડોક્ટર જેનરીક દવાના બદલે બ્રાન્ડેડ દવાઓ લખશે તો તેમનું લાઈસન્સ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે તેવું નેશનલ મેડિકલ કમિશનનું જે ફરમાન છે તે સંપૂર્ણપણે અવિચારી અને દર્દીઓના જીવન સાથે ચેડા કરનારું તેમજ આપણા દેશના ડોક્ટરો જાણે વિશ્વાસ કરવાને પાત્ર જ ન હોય તે પ્રકારનું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
હકીકતમાં કોઈપણ દર્દીને કઈ દવા આપવી તેનો નિર્ણય ઉત્તમ રીતે દવા કરનાર ડોક્ટર જ કરી શકે. કોઈ દર્દી જો બીજા કોઈ રોગથી પીડાતા હોય અને તેની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) ખૂબ જ ઓછી હોય તો ડોક્ટર તેને ચોક્કસ બ્રાન્ડેડ દવા કે જેનો તેને અનુભવ અને વિશ્વાસ છે તે જ દવા લખે તે વ્યાજબી ગણાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેના સાથી સંલગ્ન વિભાગો અવિચારી રીતે ગમે ત્યારે મનઘડંત નિર્ણયો કરતા હોય છે અને પછી ક્યારેક યુ ટર્ન પણ લેવાનો વારો આવતો હોય છે. સરકારે ખરા અર્થમાં આપણા નાગરિકો અને દર્દીઓને સસ્તી દવા આપવી હોય તો બ્રાન્ડેડ દવાઓ ઉપરના કિંમતના નિયંત્રણો યોગ્ય રીતે કરવા જોઈએ જે કરવામાં આવતા નથી. જેનરીક દવાઓ જે બજારમાં મળે છે તેની ગુણવત્તા(ક્વોલિટી)ની જાળવણી માટે સરકાર સહેજ પણ ચિંતિત નથી અને પરિણામે જેનરીક દવાઓનો વપરાશ કરતા પહેલાં બધાને ચિંતા અને પ્રશ્નાર્થ ઉભો થાય છે. સરકારની જવાબદારી છે કે જેનરીક દવાઓની ગુણવત્તા ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જે ડોક્ટર પોતાના અનુભવથી પોતાના દર્દી માટે કઈ દવા ઉત્તમ રહેશે તે માટે વિચારીને પોતાની ચોઈસ ઓફ ડ્રગ દર્દીને પ્રિસ્ક્રાઈબ કરે તેમાં સરકારને વાંધો ન હોવો જોઈએ. વ્યક્તિના જીવનથી વધારે કિંમતી કશું જ ન હોઈ શકે. ડોક્ટર જ્યારે ચોક્કસ દવા પ્રિસ્ક્રાઈબ કરતા હોય ત્યારે દર્દી પોતે જેનરીક દવા માટે સૂચવી પણ શકે અને મેડિકલ સ્ટોર ઉપર પણ બ્રાન્ડેડના બદલે જેનરીક દવા ખરીદવા માટે સ્વતંત્ર છે. આ બધા જ સંજોગોમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી નિર્ણય કરીને માત્ર જેનરીક દવા જ ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરી શકે અને ન કરે તો તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવાનો જે પરિપત્ર કર્યો છે તેને સત્વરે રદ્દ કરવો જોઈએ તેવી માંગણી શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલી છે. શ્રી ગોહિલે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રીશ્રી તથા આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી કે જેઓ બંને ગુજરાતના છે તેઓને નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી પરિપત્ર કરાયો છે તેને તાત્કાલિક રદ્દ કરવા માટેની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Excellent insights! Your breakdown of the topic is clear and concise. For further reading, check out this link: READ MORE. Let’s discuss!