અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ધરા પર સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક અદભુત નજારો સર્જાયો હતો. શહેરના તાત્કાલિક હનુમાન રોડ, કેવડાપરા વિસ્તારમાં ‘જય અલખધણી અને ગોપી મહિલા મંડળ’ દ્વારા આયોજિત ૫૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થયો હતો.
આ ઐતિહાસિક આયોજન નાના ઝીંઝુડાના મોમાઈ માતાજી મંદિરના મહંત શ્રી મસાપીર બાપુની દિવ્ય પ્રેરણા, આશીર્વાદ અને સીધા માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. સમૂહ લગ્નોત્સવમાં ૫૧ નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો.
લગ્નવિધિના મુખ્ય આચાર્ય તરીકે વિજયભાઈ જાની (ગોલ્ડન દાદા) એ પોતાની આગવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન દ્વારા વિવાહ સંસ્કાર સંપન્ન કરાવ્યા હતા. મહંત શ્રી મસાપીર બાપુના આશીર્વાદ અને આર્થિક સહયોગથી દરેક દીકરીને નવો સંસાર શરૂ કરવા માટે પલંગ, કબાટ, વાસણો સહિતની જરૂરી ઘરવખરીનો ભવ્ય કરિયાવર આપવામાં આવ્યો હતો, જેનાથી જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
આ મહોત્સવમાં સાવરકુંડલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૦ હજારથી વધુ ભાવિકોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મહાપ્રસાદના મુખ્ય દાતા તરીકે પણ પૂજ્ય મસાપીર બાપુએ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો.
લગ્નોત્સવની સાથે સામાજિક જવાબદારી નિભાવતાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાર્થક કર્યું હતું.
આ પ્રસંગે વિવિધ ધાર્મિક સંસ્થાના સંતો-મહંતો, તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવદંપતીઓને અક્ષતથી વધાવી સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. દીકરીઓની વિદાય વેળાએ સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ‘જય અલખધણી અને ગોપી મહિલા મંડળ’ તેમજ સમૂહ લગ્ન સમિતિના સ્વયંસેવકોએ દિવસ-રાત મહેનત કરી હતી. આયોજક સમિતિએ જણાવ્યું હતું કે,
“સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્નમાં સહભાગી થવું એ જ સાચી ઈશ્વર સેવા છે.”
આ ભક્તિમય અને સેવાભર્યા આયોજનને કારણે સમગ્ર સાવરકુંડલા પંથકમાં આ સમૂહ લગ્નોત્સવની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટ: બ્યુરો ચીફ – સતીશ બી. પાંડે

