અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્કૂલો, મેટ્રો રેલ, ન્યાયાલયો, પોસ્ટ ઓફિસો તેમજ અન્ય સરકારી કચેરીઓને ઈ-મેઈલ મારફતે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીઓ મળતી હોવાના બનાવો સામે આવ્યા હતા. આ ઈ-મેઈલોમાં “ખાલિસ્તાન” જેવા શબ્દોનો ઉપયોગ કરીને તેમજ દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના નામનો ઉલ્લેખ કરીને લોકોમાં ભય અને આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવોને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.
આ ગંભીર મામલાની તપાસ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ ટીમે વિવિધ ઈ-મેઈલના ડેટાનું વિશ્લેષણ કરતા એક જી-મેઈલ આઈડીનું કનેક્શન પશ્ચિમ બંગાળ રાજ્યના નોર્થ 24 પરગણા જિલ્લાના ગોપાલનગર વિસ્તાર સુધી પહોંચતું હોવાનું જાણવા મળ્યું હતું.
આ માહિતીના આધારે પો. ઇન્સ્પેક્ટર એસ.આર. ઝાલાના નેતૃત્વ હેઠળ સાયબર ક્રાઈમ બ્રાંચ અને ક્રાઈમ બ્રાંચની સંયુક્ત ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદથી આરોપી સૌરવ સુરેન્દ્ર બિસ્વાસ (ઉંમર આશરે 30 વર્ષ) ને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ હેક કરેલા ઈ-મેઈલ એકાઉન્ટનો ઉપયોગ કરીને વિવિધ સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલ્યા હતા. આ મામલે પોલીસે આઈટી એક્ટ–2000 તેમજ અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી એકલો જ આ કૃત્યમાં સંકળાયેલો હતો કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે. સાથે જ હેક કરાયેલા ઈ-મેઈલ એકાઉન્ટ અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે.
રિપોર્ટ: બ્યુરો ચીફ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

