અખબારી યાદી તા. ૧૮–૭–૨૦૨૪
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા(કાર્બોસેલ)ની સંપૂર્ણ ગેરકાયદેસર ખાણો ચાલે છે અને સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન કરીને દર મહિને એક કુવાના રૂ. ૧.૫૦ લાખ સુધીનો હપ્તો તંત્રને અને પદાધિકારીઓને ચૂકવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ એક હજાર આવા કુવાઓ ખોદાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં મજદુરોની સુરક્ષાની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આવી ખાણમાં ત્રણ ગરીબ યુવાન મજદુરોના મૃત્યુ થયા છે. આ અસરગ્રસ્ત પરિવારોને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી બનેલ ટીમના સભ્યો કાર્યકારી અધ્યક્ષશ્રી ઋત્વિકભાઈ મકવાણા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી નૌશાદભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી બચુભાઈ ડાભી તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી પ્રદ્યુમનસિંહ પરમારે રૂબરૂ મળીને કોંગ્રેસ પક્ષ વતી સાંત્વના પાઠવી હતી અને આ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ભોગ બનેલ પરિવારો પાસેથી કેટલીક માહિતીઓ પણ એકત્રિત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃતિમાં ભોગ બનેલા ત્રણ ગરીબ મજદુરોના મૃત્યુ બાદ લેવાયેલ ફરિયાદમાં જે તહોમતદારો છે તેમાં કલ્પેશ પરમાર એ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ભાજપના ચેરમેન છે અને ભાજપના આગેવાન છે તથા ખીમજીભાઈ કારડીયા એ ભાજપના આગેવાન છે અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ છે. આ સ્પષ્ટ બતાવે છે કે સંપૂર્ણપણે ગેરકાયદેસર ચાલતું કોલસાનું ખનન એ ભાજપના નેતાઓ દ્વારા જ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ભોગ બનનાર વ્યક્તિઓના પરિવારજનોને સંપૂર્ણપણે પૂરતું વળતર મળવું જોઈએ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિની તપાસ ન્યાયિક રીતે થાય તે જરૂરી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગુજરાતના તંત્રની જ સંપૂર્ણ મીઠી નજર તથા પદાધિકારીઓ સાથેની મિલીભગતના કારણે ભ્રષ્ટાચારથી થઈ રહી છે ત્યારે સાચી હકીકત તો જ બહાર આવે જો કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મારફત SIT બનાવીને તપાસ કરવામાં આવે અને SITના સભ્યો તરીકે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓને રાખવામાં આવે અથવા સમગ્ર પ્રકરણની તપાસ CBI દ્વારા થવી જોઈએ તે અત્યંત જરૂરી છે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
ડૉ. મનિષ એમ. દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા