અમદાવાદ, તા. 10 જૂન : મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરીય ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન (કાલુપુર) ખાતે અત્યાધુનિક ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાનું ઉદ્ઘાટન દિનેશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સ્વચાલિત ડિજિટલ લગેજ લોકર સુવિધા મુસાફરો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. શહેરમાં ફરવા જવું હોય, સરકારી કે ખાનગી કામકાજ માટે બહાર જવું હોય અથવા થોડા કલાકો માટે સામાન સુરક્ષિત રાખવાની જરૂર હોય ત્યારે મુસાફરો કોઈપણ કર્મચારીની મદદ વિના પોતાના મોબાઇલ ફોન દ્વારા લોકરનું સંચાલન કરી શકશે.

કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે અમદાવાદ સ્ટેશન પર પ્રથમ વખત આવી આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે. બહારથી આવનારા મુસાફરો પાસે ઘણીવાર કિંમતી સામાન હોય છે અને માત્ર સામાનની સુરક્ષા માટે હોટલ લેવી પડે અથવા સામાન સાથે જ કામકાજ માટે જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ડિજિટલ લોકર સુવિધા શરૂ કરવામાં આવી છે.
સ્ટેશન પર હાલમાં કુલ 59 લોકર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં મિડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ કદના લોકરનો સમાવેશ થાય છે. મુસાફરો પોતાની જરૂરિયાત મુજબ 3 કલાક, 6 કલાક અથવા 24 કલાક માટે લોકર બુક કરી શકશે. આ સુવિધા માત્ર ₹40થી શરૂ થાય છે, જે મુસાફરોને કિફાયતી દરે સુરક્ષિત સંગ્રહની સગવડ પૂરી પાડશે.
ડિજિટલ લોકરની મુખ્ય વિશેષતાઓ
• સંપૂર્ણપણે ડિજિટલ અને કેશલેસ વ્યવસ્થા
• UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિત વિવિધ ડિજિટલ ચુકવણી વિકલ્પો
• OTP આધારિત સુરક્ષિત ઍક્સેસ સિસ્ટમ
• મજબૂત અને Tamper-proof લોકર ડિઝાઇન
• ક્લાઉડ આધારિત મોનિટરિંગ અને UPS બેકઅપ
• 24×7 ઉપલબ્ધ સેવા
• દેશભરના મુસાફરો માટે બહુભાષીય ઇન્ટરફેસ
લોકર ભાડું
| લોકરનું કદ | 3 કલાક સુધી | 6 કલાક સુધી | 24 કલાક સુધી |
|---|---|---|---|
| મિડિયમ | ₹40 | ₹70 | ₹150 |
| લાર્જ | ₹70 | ₹150 | ₹200 |
| એક્સ્ટ્રા લાર્જ | ₹90 | ₹170 | ₹280 |
મંડળ રેલ પ્રબંધકે વધુમાં જણાવ્યું હતું કે આગામી તબક્કામાં આવી જ સુવિધા સાબરમતી રેલવે સ્ટેશન ખાતે પણ વિકસાવવામાં આવશે. ત્યાં મુસાફરો માટે ફ્રેશ થવાની, ભોજન કરવાની, કાર્ય કરવાની તેમજ દસ્તાવેજોની પ્રિન્ટિંગ જેવી વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી ડ્યુરોલ્ટ ટેક્નોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડને ઈ-હરાજી પ્રક્રિયા દ્વારા સોંપવામાં આવ્યું છે. પાંચ વર્ષના કરાર હેઠળ કંપની 25 ફેબ્રુઆરી 2031 સુધી આ સેવા સંચાલિત કરશે. આ કરારથી રેલવેને દર વર્ષે ₹8.21 લાખથી વધુ લાઇસન્સ ફી પ્રાપ્ત થશે અને સમગ્ર કરાર અવધિ દરમિયાન અંદાજે ₹48.46 લાખની આવક થવાની સંભાવના છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલી સ્માર્ટ ડિજિટલ લગેજ લોકર સુવિધા ભારતીય રેલવે અને પશ્ચિમ રેલવેની મુસાફરોને ટેક્નોલોજી આધારિત, સુરક્ષિત અને વધુ સુવિધાસભર પ્રવાસ અનુભવ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની છે.
સંવાદદાતા: ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ


