જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, આશ્રય અને સંસ્કાર આપી સામાજિક ઉત્થાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા
સાવરકુંડલા, અમરેલી: સાવરકુંડલાના અંબિકા સોસાયટી વિસ્તારમાં કાર્યરત ‘મમતા ઘર’ સંસ્થા દ્વારા ભવ્ય અને પ્રેરણાદાયી વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી શિક્ષણ, સેવા અને સંસ્કારના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરતી આ સંસ્થાએ ફરી એકવાર જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં આશા અને આત્મવિશ્વાસનો દીપ પ્રગટાવ્યો છે.
‘મમતા ઘર’ સંસ્થા અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત 100થી વધુ બાળકોને દત્તક લઈને તેમને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન, રહેઠાણ અને સંસ્કારનું માર્ગદર્શન પૂરું પાડી રહી છે. સંસ્થાનું આ કાર્ય સમાજમાં માનવતા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
આ ઉપરાંત, સદગુરુ સેવા ટ્રસ્ટના ઉપક્રમે 245 જેટલા બાળકો માટે દરરોજ સાંજે 5 વાગ્યે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. આ ક્લાસીસનો મુખ્ય હેતુ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારોનું સિંચન કરવાનો છે.
વાર્ષિકોત્સવ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કૃતિઓ, ગીતો, નૃત્યો અને અન્ય કલાત્મક રજૂઆતો દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ, નોટબુક, સ્કૂલ બેગ, શીલ્ડ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને આત્મવિશ્વાસ સંસ્થાના સેવાકાર્યની સફળતાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યા હતા.
આ પ્રસંગે અનેક સંતો-મહંતો, સામાજિક આગેવાનો, શિક્ષણપ્રેમીઓ અને પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ‘મમતા ઘર’ અને સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવી સંસ્થાના કાર્યને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
સમગ્ર અમરેલી જિલ્લામાં ‘મમતા ઘર’ દ્વારા કરવામાં આવતી સેવાઓ આજે લોકચાહનાનું કેન્દ્ર બની છે. સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ અને મંજુલાબેન દુધરેજીયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંસ્થા શિક્ષણ અને સેવાનો અવિરત યજ્ઞ ચલાવી રહી છે, જેના પરિણામે અનેક બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે.
બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
સતીશ બી. પાંડે


2 Comments
I am truly thankful to the owner of this web site who has shared this fantastic piece of writing at at this place.
Ne zamandır web sitelerim için aradığım içeriği sonunda buldum. Bu kadar detaylı ve net açıklama için teşekkürler.