દાહોદ જિલ્લો, ગોવિંદ ગુરુ લીમડી તાલુકો.
લીલવા ઠાકોર ગામે મનરેગા (NREGA) યોજના હેઠળ મંજૂર થયેલા કૂવાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓ થયાના આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગામના રહેવાસી અને અરજદાર કામોળ દલસીંગભાઈ હરસિંગભાઈએ આ મામલે ગંભીર આરોપો લગાવી વહીવટી તંત્ર સામે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે.

માહિતી અનુસાર, વર્ક કોડ નં. 36798, સર્વે નં. 12/2 અને ખાતા નં. 251 હેઠળ વર્ષ 2021 દરમિયાન અંદાજે ₹4,87,799ના ખર્ચે મનરેગા યોજના હેઠળ કૂવો મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે અરજદારનો દાવો છે કે કૂવાનું કામ હકીકતમાં અધૂરું છે, જ્યારે કાગળ પર તેને પૂર્ણ બતાવી સરકારી નાણાં ઉપાડી લેવાયા છે.
અરજદારે આરોપ મૂક્યો છે કે ગામના ડેપ્યુટી સરપંચના પુત્ર અને બેંક ઓફ બરોડાના BC તરીકે કાર્યરત ખાગુડા કિરીટભાઈ મોહનભાઈએ સ્થાનિક GRS તથા ટેકનિકલ આસિસ્ટન્ટ સાથે મળીને ખોટા મસ્ટરરોલ તૈયાર કર્યા અને મજૂરોના નામે ચુકવણી દર્શાવી સરકારી રકમમાં ગેરરીતિ આચરી છે.
મશીનથી ખોદકામ છતાં મજૂરોના નામે ચુકવણી?
સ્થાનિક સ્તરે ઉઠેલા આક્ષેપો અનુસાર કૂવો મજૂરો દ્વારા નહીં પરંતુ JCB અને ઇટાસી મશીનની મદદથી ખોદવામાં આવ્યો હતો. મનરેગા યોજના મૂળરૂપે મજૂર આધારિત યોજના હોવા છતાં, મશીનનો ઉપયોગ કરી પછી મજૂરોના નામે હાજરી દર્શાવી ચુકવણી કરાઈ હોવાનો આરોપ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
અરજદારનું કહેવું છે કે ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા ખોટી MB (મેઝરમેન્ટ બુક) તૈયાર કરવામાં આવી અને તેના આધારે નાણાંની ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
પાંચ વર્ષથી “પૂર્ણ કરી આપીશું”ના વાયદા
અરજદારના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી વારંવાર “કામ પૂરું કરી આપીશું” જેવા વાયદા કરવામાં આવ્યા, પરંતુ આજે પણ કૂવો અધૂરો જ છે. બીજી તરફ સરકારી દસ્તાવેજોમાં કામ પૂર્ણ બતાવાતા સમગ્ર પ્રકરણ પર શંકા વધુ ઘેરી બની રહી છે.
લોકોના મનમાં ઊઠતા સવાલો
આ સમગ્ર મામલાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે —
- મજૂરોના નામે ચૂકવાયેલા રૂપિયા આખરે કોના ખાતામાં ગયા?
- જો મશીનથી કામ થયું હતું તો મજૂરોની હાજરી કોણે અને શા માટે દર્શાવી?
- ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા તૈયાર કરાયેલી MB બુક હકીકતમાં સાચી છે કે ગેરરીતિનો ભાગ?
- બેંક BC તરીકે જોડાયેલા વ્યક્તિની ભૂમિકા કેટલી નિષ્પક્ષ રહી?
- પાંચ વર્ષથી અધૂરું કામ હોવા છતાં તેને પૂર્ણ બતાવવાનો દબાણ કોની તરફથી આવ્યો?
- શું આ માત્ર એક જ કિસ્સો છે કે સમગ્ર વિસ્તારમાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતિઓ ચાલી રહી છે?
“ગરીબોની યોજના કે લૂંટની સ્કીમ?”
લીલવા ઠાકોરનો આ કેસ માત્ર એક કૂવા પૂરતો સીમિત નથી. આ સમગ્ર મનરેગા યોજનાની પારદર્શકતા અને અમલવારી પર સવાલ ઊભા કરે છે. ગરીબ અને મજૂર વર્ગને રોજગારી આપવા માટે રચાયેલી યોજના ક્યાંક ભ્રષ્ટાચારનું માધ્યમ તો બની રહી નથી ને? તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
હવે સમગ્ર મામલે લોકોની નજર વહીવટી તંત્ર પર ટકેલી છે. જો નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ થશે તો જ સત્ય બહાર આવશે, નહીં તો “કૂવો” માત્ર બહાનું બની રહેશે અને આખી વ્યવસ્થા જ શંકાના ઘેરામાં આવી જશે.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ
રિપોર્ટર : પાર્થ ગેલ્હોર, દાહોદ


