સાવરકુંડલા, અમરેલી: સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, સંસ્કાર અને આશ્રય આપવાના ઉમદા હેતુ સાથે કાર્યરત ‘મમતા ઘર’ સંસ્થાએ પોતાના વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં બાળકોની પ્રતિભા, સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
અંબિકા સોસાયટી વિસ્તારમાં આવેલી ‘મમતા ઘર’ સંસ્થા છેલ્લા બે વર્ષથી શિક્ષણ અને સેવાના માધ્યમથી સમાજમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. સંસ્થા હાલમાં અમરેલી જિલ્લાના આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત 100થી વધુ બાળકોને દત્તક લઈને તેમને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન, રહેઠાણ અને જરૂરી સંસ્કારોનું સિંચન કરી રહી છે.
આ ઉપરાંત, સદગુરુ સેવા ટ્રસ્ટના ઉપક્રમે 245 જેટલા બાળકો માટે દરરોજ સાંજે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ સાથે બાળકોમાં નૈતિક મૂલ્યો, શિસ્ત અને સારા સંસ્કારોનું ઘડતર થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે.
વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ ગીત, નૃત્ય, નાટિકા અને વિવિધ કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. બાળકોના ઉત્સાહ અને આત્મવિશ્વાસે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કિટ, નોટબુક, સ્કૂલ બેગ, શીલ્ડ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર ઝળહળતી ખુશી અને આત્મસંતોષની લાગણી સંસ્થાના સેવાકાર્યની સફળતાનું જીવંત પ્રતિબિંબ બની હતી.
આ પ્રસંગે સંતો-મહંતો, સામાજિક આગેવાનો, શિક્ષણપ્રેમીઓ અને પત્રકારો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ‘મમતા ઘર’ અને સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવાઓને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ અને મંજુલાબેન દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘મમતા ઘર’ આજે અમરેલી જિલ્લામાં સેવા, શિક્ષણ અને સંસ્કારનું એક અનોખું કેન્દ્ર બની રહ્યું છે. સંસ્થાના પ્રયાસોથી અનેક બાળકોના જીવનમાં નવી આશા અને ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત થઈ રહ્યો છે.
બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
સતીશ બી. પાંડે

