જળ વિના જીવનની કલ્પના પણ ન થઇ શકે. પૃથ્વી પર જીવનનું પ્રાગટય પાણીમાંથી જ થાય છે, આજે માનવી ચંદ્રથી લઇ મંગળગ્રહ સુધી પાણીની શોધ કરી રહ્યો છે, માણસ પાણીના એક એક ટીપાંનું મહત્વ સમજતો થયો છે, જો પાણી જ નહીં રહે તો જીવનનો આધાર જ ખતમ થઇ જશે. આપણે જાણીએ છીએ કે ધરતીનો બેતૃતીયાંશ ભાગ પાણીથી ભરપૂર હોવા છતાં પાણીની તંગીની વાત માનવા મન માનતું નથી. જોકે પૃથ્વી પરનું મોટા ભાગનું પાણી ખારું હોય માણસની તરસ છીપાવવા કામ આવતું નથી. પૃથ્વી પર રહેલા કુલ પાણીમાંથી માત્ર અઢી ટકા પાણી પીવાલાયક છે, અને એમાંથી પણ બે તૃતીયાંશ પાણી ગ્લેશિયરો અને ગગનચુંબી પર્વતો પર બરફરૂપે આવેલું હોય માણસ કે અન્ય જીવો માટે ઉપયોગીતા સાવ ઓછી છે. પ્રકૃતિ દ્વારા જળચક્ર સતત ચાલતું રહેતું હોઇ આપણા માટે પાણી પુનઃપ્રાપ્ય સ્રોત છે અને તેનાથી પૃથ્વી પર જળની માત્રા જળવાઇ રહેતા ધરતી પરથી પાણી ખત્મ થવાનું જોખમ નથી. પરંતુ અસલી ખતરો ધરતી પર ઉપલબ્ધ પાણી જે રીતે દૂષિત કરવા સાથે તેનો યોગ્ય સંગ્રહ ન કરવામાં આવતા તે વેડફાઇ જાય છે, તેથી ભવિષ્યમાં લોકો તેમજ જીવ માત્રની જરૂરિયાત પૂરી કરી શકે તેટલું સ્વચ્છ પાણી આપણને મળી રહેશે કે કેમ ? તે યક્ષ પ્રશ્ન છે. સરકારે ગંગા શુદ્ધિકરણ અંગે અબજો રૂપિયાની યોજનાઓ અમલમાં મુકી છતાં આજે ગંગા -યમુના જેવી મોટી નદીઓ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના એક રિપોર્ટ મુજબ ગંગાનું પાણી સીધેસીધું પીવાલાયક નથી. અરે ગંગાના માત્ર ૧૮ સ્થળો એવા છે કે જ્યાં સ્નાન કરી શકાય બાકી ગંગા નદીનું પાણી સ્નાનલાયક પણ રહ્યું નથી.
ભારત ખેતી પ્રધાન દેશ હોઇ 70% લોકો ખેતી પર નિર્ભર છે. જોકે સમય સાથે ફેરફાર થતા આપણે ઔદ્યોગીકરણ તરફ આગળ વધતા શહેરીકરણ વધ્યું છે, અને લોકો ગામડા છોડી શહેર તરફ વળ્યા છે. જોકે દેશની 85%થી વધુ ખેતી વરસાદી પાણી પર આધારીત છે, જે અનિયમિત વરસાદ અને અન્ય પ્રાકૃતિક કારણોથી આપણે ત્યાં ખેતી સાથે પીવાના પાણીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એક સર્વેથી દેશના 20% જેટલા શહેરો અને મહાનગરો પાણીની તંગી ભોગવી રહ્યા છે. પાણીની તંગી અનુભવતા ભારતના શહેરોની યાદી ખૂબ લાંબી છે, જોકે આજકાલ બેંગલોરનો પાણી કકળાટ સૌની આંખ ઉઘાડનાર છે. એ સાથે રાજસ્થાન, ગુજરાત ખાસ કરી સૌરાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરે રાજ્યો પાણી સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. અરે મેઘાલયનું ચેરાપુંજી ઉનાળામાં પાણી માટે વલખા મારતું જૂન 2019માં મેં નજરોનજર જોયું હતું, તો છેલ્લા બે વર્ષથી ગુજરાતનું ચેરાપુંજી ગણાતો ડાંગ જિલ્લો ઉનાળામાં પાણી માટે ત્રાહિમામ પોકારતો આપણે જોવા મળે છે. હાલમાં ભારતના કુલ ૪૭૩૮ શહેરી વિસ્તારોમાંથી ૭૫૬ શહેરો પાણીની તંગી ભોગવી રહ્યા છે. પાણી સમસ્યાના મૂળમાં ભૂગર્ભ જળનો સિંચાઇ માટે સતત વધતો વપરાશ છે. ભારત સરકારના ગૃહ અને શહેરી વિકાસ તેમજ જળશકિત મંત્રાલયની યાદી મુજબ દેશના ૨૫૫ જીલ્લા અને ૧૫૯૭ વિસ્તારોને પાણીની ખેંચવાળા જાહેર કરાતા આ વિસ્તારોમાં જળ સંરક્ષણ અને જળ સંશય યોજનાઓ તૈયાર કરી પાણી શુદ્ધિકરણ અને તેના પુન: વપરાશના આયોજન હાથ ધર્યા છે.
આપણે ત્યાં અપૂરતા, અધકચરા અને આયોજનરહિત જળપ્રબંધનના કારણે વરસાદી પાણી ઘણું ખરું વેડફાઇ જાય છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં પેયજળની ભયંકર તંગી સર્જાવાની શક્યતા છે. તો આફ્રિકાના ઘણાં દેશોમાં દુષ્કાળના કારણે પીવાના પાણી ઉપરાંત ભૂખમરાની વિકરાળ સમસ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળથી શુદ્ધ પીવાનું જળ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ વિશ્વમાં સ્વચ્છ પાણીથી વંચિત સૌથી વધુ લોકો ભારતમાં હોય આ યોજના માટે બહુ મોટો પડકાર છે. આપણે ત્યાં પીવાના પાણી માટે 73%થી વધુ ભૂગર્ભ જળનો ઉપયોગ થતો હોય જે પાણીની સંગ્રહક્ષમતા કરતા ઘણો વધારે છે, ઉનાળાની શરૂઆત પહેલા આપણા જળસ્ત્રોતો સૂકાઇ જાય છે. એ સાથે નદીઓને પ્રદૂષીત કરવામાં આપણે કોઇ કચાશ છોડતા ન હોય જળસંશય અને જળસંરક્ષણમાં આપણે ઉણા ઉતર્યા છીએ. જોકે કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચય યોજના અંતર્ગત રાજય સરકાર અને સ્થાનિક સ્વરાજય સંસ્થાઓને સાથે રાખી વરસાદી પાણી સંગ્રહ, સેવેજ વોટર પુન: ઉપયોગ, પાણી વ્યય નિયંત્રણ જેવા કાર્યક્રમો જળશકિત અભિયાન દ્વારા ચલાવ્યા છે. એ સાથે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી સંગ્રહ અને વરસાદી પાણી ભુગર્ભ જળ રિચાર્જીગને અગ્રતાક્રમ આપતા સ્થાનીક સ્વરાજય સંસ્થાઓને નવા બાંધકામોની મંજૂરી આપતા પહેલા ફરજીયાત બનાવ્યા છે.
આપણે ત્યાં નદી કિનારાના શહેરોની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે. ફેકટરીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા નદી નાળામાં છોડવામાં આવતો રાસાયણિક કચરો, મળમૂત્ર અને અન્ય કચરો નદીનું પાણી મલીન કરતા તે પાણીથી લોકો ગંભીર બીમારીનો ભોગ બને છે. અફસોસની વાત તો એ છે કે દેશમાં પીવાના શુદ્ધ પાણી અંગે કોઇ કાયદો નથી, તેથી પીવાના પાણીનો સપ્લાય કરતા એકમો પાણીની ગુણવત્તા જાળવતા ન હોઇ આવા લોકોને કાયદાની કોઇ બીક નથી. હકીકતમાં દૂષિત પાણી અંગે જવાબદાર લોકોને કાયદાનો ભય લાગે તેવા ફોજદારી કાયદા અમલમાં મુકવા જોઇએ. પાણીએ જીવન આધાર હોઇ તેની મહત્તા સરકાર સાથે લોકોએ સમજવી જોઇએ. જો આ અંગે લોકોમાં યોગ્ય જાગૃત્તિ હશે તો જ પાણીનું મુલ્ય સમજાશે. આજે અત્યાધુનિક નવી ટેકનોલોજીના દાવાઓ સાથે આર.ઓ. અને ફિલ્ટર મશીનોની જાહેરાતો ચારેબાજુ જોવા મળે છે, પણ નૈસર્ગીક રીતે ઉપલબ્ધ શુદ્ધ પાણીને દૂષિત કરવામાં લોકો જરાય સંકોચ અનુભવતા ન હોય પીવાના પાણીને સ્વચ્છ અને પ્રદૂષણરહિત રાખવા લોકજાગૃતિ કેળવવામાં આપણે ઉદાસીન છીએ. અને છેલ્લે દરેક ભારતીય માટે ભોજન અને શિક્ષણના મૌલિક અધિકારની જેમ શુદ્ધ પીવાના પાણી અને શુદ્ધ હવાનો પણ મૌલિક અધિકાર હોવો જોઇએ.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
જળ સંકટ એક વૈશ્વિક સમસ્યા… . . . . . .. .. . . . .. . જયંતિભાઇ આહીર …..
જળ વિના જીવનની કલ્પના પણ ન થઇ શકે. પૃથ્વી પર જીવનનું પ્રાગટય પાણીમાંથી જ થાય છે, આજે માનવી ચંદ્રથી લઇ મંગળગ્રહ સુધી પાણીની શોધ કરી રહ્યો છે,
1 Comment
Your humor added a lot to this topic! For more information, click here: FIND OUT MORE. What do you think?